કચ્છખબરડૉટકોમ, પાટણઃ પાટણ જિલ્લાના સમી નજીક આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં રોંગસાઈડમાંથી ધસમસતી જતી એસટી બસે સામેથી આવતી ઑટોરીક્ષાને ટક્કર મારી તેમાં સવાર ૬ લોકોની બે-પળમાં લોથ ઢાળી દીધી છે. મૃતક રાધનપુરના અમરગઢના ફૂલવાદી પરિવારના સભ્યો રીક્ષામાં બેસી સમી આસપાસના ગામોમાં ભીખ માંગીને પરત ફરતાં હતા ત્યારે રસ્તામાં કાળનો કોળિયો બની ગયાં હતાં. સમીના ગોચનાદ ગામથી આગળ બાસ્પા રોડ પર વચ્છરાજ હોટેલથી થોડેક આગળ દુર્ઘટના ઘટી હતી.
રાધનપુર હિંમતનગર રૂટની એસટી બસના ચાલકે રોંગસાઈડમાં બસને હંકારી દુર્ઘટના સર્જી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ક્રેનથી બસને હટાવાયાં બાદ બસ નીચેથી એકમેકને ચોંટી ગયેલાં મૃતદેહોને બહાર કઢાયાં હતાં. મરણ જનાર નરેશ ઈશ્વરભાઈ ફૂલવાદી (ઉ.વ. ૩૩) ઑટોરીક્ષામાં પિતા ઈશ્વરભાઈ લાલાભાઈ (૭૫), માતા તારાબેન (૭૦), કાકા બાબુભાઈ લાલાભાઈ ફૂલવાદી (૭૦), કાન્તાબેન બાબુભાઈ (૬૦) અને સાયરાબેન દિલુભા ફૂલવાદી (૩૫)ને બેસાડીને સમી આસપાસના ગામોમાં ભીખ માગવા લઈ ગયો હતો. પરત ફરતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી.
Share it on
|