કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ રાજ્યના અસામાજિક અને ગુંડાતત્વોની ૧૦૦ કલાકમાં યાદી તૈયાર કરી, ગહન તપાસ કરીને કડક એક્શન લેવા રાજ્ય પોલીસ વડાની સૂચનાના પગલે સ્ટેટ મોનિટરીંગ સેલ પણ હરકતમાં આવ્યો છે. SMCએ કચ્છના બે બૂટલેગરો સહિત આખા રાજ્યના ૧૫ બૂટલેગરો અને જુગારીઓ, કેમિકલ ચોરી કરતાં તત્વોએ કરેલા ગેરકાયદે બાંધકામ અને દબાણ હટાવવા અંગે ખાસ યાદી તૈયાર કરી છે. કચ્છના બે બૂટલેગરો પૈકી ભચાઉના અશોકસિંહ ઊર્ફે મામા બાલુભા જાડેજાએ ભચાઉ શહેરના દરબાર ગઢ ખાતે બે માળના મકાનમાં મંજૂર નકશાથી ફેરફાર કરીને વધારાનું બાંધકામ કરી સરકારી જગ્યામાં દબાણ કર્યું હોવાનું SMCએ જણાવ્યું છે. એ જ રીતે, રાપરના પુનાભાઈ ભાણાભાઈ ભરવાડે રાપરના આથમણા નાકે આવેલા બે માળના બંગ્લામાં પણ આ જ રીતે મંજૂર નકશામાં ફેરફારી કરીને દબાણ કર્યું હોવાનું તથા પોતાના રહેણાંક મકાનો ભાડા કરાર કે પોલીસમાં જાણ કર્યાં વગર ભાડે આપ્યાં કે મેળવ્યાં હોવાનું જણાવાયું છે. આ દબાણો હટાવવા તથા કાયદેસર કાર્યવાહી કરવા કચ્છ કલેક્ટર અને પોલીસ વડાને આધાર પૂરાવા સાથે દરખાસ્ત કરાઈ છે.
અ’વાદના ૨૧ ગુંડા સામટાં પાસા તળે પાલારા ધકેલાયાં
‘હંડ્રેડ અવર્સ’ની અવધિ પૂરી થયાં બાદ આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારના ૨૧ ગુંડાઓ પર સાગમટે પાસાનું શસ્ત્ર ઉગામીને તમામને ભુજની પાલારા ખાસ જેલ ધકેલવા રવાના કર્યાં છે. પાસામાં ફીટ થનારાં સૌથી વધુ સાત ગુંડા અમરાઈવાડી વિસ્તારના છે અને ત્રણ ગુંડા ઓઢવના છે.
ખૂંખાર કેદીઓને ખાસ જેલમાં ધકેલાય છે
ભુજની પાલારા ખાસ જેલમાં હાલ ૪૩૦ કેદીની સમાવેશ ક્ષમતા સામે ૩૭૦ કેદી કેદ છે. તેમાં હવે વધુ ૨૧ જણનો ઉમેરો થશે. આખા રાજ્યમાં પાલારા અને પોરબંદર એમ ફક્ત બે જ જેલ ‘ખાસ જેલ’ છે. અન્ય જેલોમાં ઉપદ્રવ ઉત્પાત મચાવતાં ખૂંખાર કેદીઓને ખાસ જેલમાં તબદીલ કરવામાં આવે છે.
Share it on
|