કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના કોટડા જડોદર ગામે વસંત ખેતાણી નામના ૫૪ વર્ષિય આધેડ પર થયેલાં હુમલાના બનાવમાં પોલીસે બે અજાણ્યા યુવક સામે ફરિયાદ દાખલ કરી છે. અબડાસા બેઠકની વિધાનસભા ચૂંટણીમાં ખેતાણી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભાં રહેલાં. જો કે, ચૂંટણીના થોડાંક દિવસો અગાઉ ભેદી સંજોગોમાં ભાજપના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય સામે ખેતાણી પાણીમાં બેસી ગયા હતા. શુક્રવારે સાંજે પાંચ વાગ્યે ખેતાણી ગામની મેઈન બજારમાં આવેલી તેમની ઑફિસમાં એકલાં બેઠાં હતા ત્યારે બે અજાણ્યા શખ્સો ધોકા લઈને તેમને મારવાનું શરૂ કરી દીધેલું. બચવા માટે તેમણે બહારની તરફ દોટ મૂકી હતી.
આ બેઉ જણે પોતે MLA પુત્ર અર્જુનસિંહના માણસો હોવાનું કહી તેને મારી નાખવાની ધમકી આપી હતી તેમ ફરિયાદમાં આરોપ કર્યો છે.
હુમલા બાદ બેઉ જણ સફેદ રંગની કારમાં નાસી છૂટ્યાં હતાં. ગામમાં આવેલી અર્જુનસિંહની બ્લેકટ્રેપની લીઝમાં ગેરકાયદે ખનિજ ખનન થતું હોવાની અને દાદાગીરીથી ઓવરલોડ ગાડીઓ પસાર કરાતી હોવાની પોતે મુખ્યમંત્રીને કરેલી લેખીત અરજીથી ઉશ્કેરાઈને અર્જુને તેના માણસો મારફતે હુમલો કરાવ્યો હોવાનો ખેતાણીએ આરોપ કર્યો હતો. હુમલામાં સારવાર મેળવ્યાં બાદ આજે ચોથા દિવસે ખેતાણીએ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી છે. અર્જુન સામે અગાઉ પણ ગેરકાયદે ખનિજ ખનનના આરોપ થયેલાં છે.
Share it on
|