કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છ પોલીસ દળના સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે નખત્રાણાના દેવપર (યક્ષ) ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી ગાંજાના ૩ છોડ મળી ૧૭૬૧ ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. મકાન માલિકે પોતાના અંગત સેવન માટે ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું કબૂલ્યું છે. દેવપરમાં રહેતા ૫૬ વર્ષિય ગુલાબ જાદવજી મકવાણા (દરજી)એ ઘરના આંગણામાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની અને તેના કબજામાં કેટલોક ગાંજો હોવાની હેડ કોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજાને બાતમી મળી હતી. બાતમીના પગલે પીઆઈ વી.વી. ભોલા સહિતની ટૂકડીએ રાત્રે ગુબાલના ઘરે દરોડો પાડ્યો હતો. ગુલાબે જાંબુ, મીઠો લીમડો, ચીકુના છોડ સાથે ગાંજાના છોડ વાવ્યાં હતાં. SOGએ ૧૭ હજાર ૬૧૦ રૂપિયાના મૂલ્યના ૧૭૬૧ ગ્રામ ગાંજા અને એક મોબાઈલ સાથે આરોપીને ઝડપી પાડી એનડીપીએસ એક્ટની વિવિધ કલમો તળે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|