કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં સરકારી જમીનો પર ખડાં થઈ ગયેલાં ગેરકાયદે દબાણો પર સતત બીજા દિવસે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. રવિવારે ભુજ બાદ આજે નખત્રાણાના ત્રણ ગામના કાચાં પાકાં દબાણો દૂર કરાઈ ૧૧ હજાર ૭૦૦ ચોરસ મીટર જમીન ખૂલ્લી કરાવાઈ છે. રવિવારે ભુજના ભુજ-માંડવી હાઈવે, ખારી નદી રોડ અને લોટસ કોલોની રોડ પર એક ધાર્મિક સ્થળ સહિત ૬ દબાણ દૂર કરાયાં હતાં. આજે નખત્રાણાના વિભાપર, રોહા સુમરી અને મોસુણા ગામના રોડ રસ્તા, પાણીના વહેણ આસપાસની સરકારી જમીન પરના દબાણો હટાવાયાં છે. નખત્રાણા મામલતદાર એ.એન. શર્માએ જણાવ્યું કે એક ધાર્મિક દબાણ અને ૯ પાકાં કોમર્સિયલ દબાણો દૂર કરાયાં છે. તંત્રએ જંત્રી મુજબ ૭૦ લાખ ૨૦ હજારના મૂલ્યની ૧૧ હજાર ૭૦૦ ચોરસ મીટર જમીન ખૂલ્લી કરાવી છે. કામગીરીમાં નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજ સુથાર સહિત પોલીસ અને મહેસુલી તંત્રના અધિકારીઓ જોડાયાં હતાં.
Share it on
|