કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના કોટડા (જડોદર) ગામે સ્વિફ્ટ કારમાં આવેલાં ત્રણ જણ સોની વેપારીને રસ્તામાં આંતરી, હાથમાં છરી મારીને સોનાની બુટ્ટીઓ, પેન્ડન્ટ, વીંટી વગેરે ઘરેણાંના બોક્સ ભરેલો થેલો લૂંટીને નાસી જતાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે જાણ થતાં નખત્રાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. પોલીસે પ્રાથમિક માહિતી આપતાં જણાવ્યું કે રાત્રે ૮ વાગ્યાના અરસામાં નિલેશ રમેશભાઈ સોની નામનો જ્વેલર ગામના નવા વાસમાં આવેલી જ્વેલરી શોપ ‘વધાવી’ને એક્ટિવાથી ઘર તરફ જતો હતો ત્યારે એકાએક સ્વિફ્ટ કારે ધસી આવી હતી તેને સાઈડમાં આંતર્યો હતો. કારમાંથી ત્રણ શખ્સો બહાર નીકળ્યાં હતા અને છરી ઝીંકી હુમલો કરી થેલો લૂંટીને ફરાર થઈ ગયાં હતાં. થેલામાં સોનાના મૂલ્યવાન ઘરેણાં હતાં. ઘાયલ સોનીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. પોલીસ ઈન્સપેક્ટર એ.એમ. મકવાણાએ ફરિયાદ નોંધવા સાથે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
Share it on
|