કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના જડોદર (કોટડા) ગામે અસામાજિક તત્વો દ્વારા ગણેશજીની પ્રતિમા પર પથરાં મારીને સૂંઢ તોડી નાખવાની તેમજ એક ધર્મસ્થાન પર લીલી ઝંડી લહેરાવી દઈ કોમી તણાવ સર્જવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. બંને ઘટનામાં સામેલ ચાર કિશોર સહિત આઠ આરોપીઓ વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ગામમાં આવેલી હાજી સાલે પીરની પેડીના પ્રસંગે શનિવારે ગામમાં ઠેર ઠેર લીલી ઝંડીઓ લગાડી દેવાઈ હતી. અટકચાળા અસામાજિક તત્વોએ એક હિંદુ ધર્મસ્થાન પર પણ લીલી ઝંડી લગાડી દીધી હતી. આ ઘટના બાદ ગઈકાલે મંગળવારે બપોરે ચાર કિશોરોએ ગામમાં સ્થાપિત ગણેશ પ્રતિમા પર પથરાં મારીને પ્રતિમાની સૂંઢ ખંડિત કરી હતી.
પોલીસે શરૂઆતમાં કૌમી સૌહાર્દ જળવાઈ રહે તે હેતુથી કાયદેસર કાર્યવાહી કરવાના બદલે પોતાની રીતે મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો.
બનાવને લગતાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાનું શરૂ થયાં બાદ મોડી સાંજે પોલીસે પૂજારી મહેશપુરી રામપુરી ગોસ્વામીની ફરિયાદ લઈ આઠ લોકો સામે ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કર્યો હતો.
કૌમી સંવાદિતાને ખંડિત કરી શકે તેવી આ ઘટનાના અનિચ્છનીય પ્રત્યાઘાત ના પડે તે માટે ઈન્ચાર્જ એસપી સાગર બાગમારે રાત્રે જ ભુજથી એલસીબી, એસઓજી જેવી બ્રાન્ચોને કામે લગાડી વારાફરતી આરોપીઓની અટક કરાવી દઈ ગામમાં સર્વત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
અટક કરાયેલાં ચારે પુખ્ત આરોપીને આવતીકાલે કૉર્ટમાં રજૂ કરી રીમાન્ડ પર લેવાશે તેમ પીઆઈ એ.એમ. મકવાણાએ જણાવ્યું છે. ધાર્મિક સ્થાન પર લીલી ઝંડી લહેરાવવા બદલ પોલીસે ગામની મદ્રેસામાં ભણાવતાં મૌલાના ગુલામ હુસેન જાફર, આસિફ સુમરા પડયાર, સાહિલ રમજાન મંધરા અને હનિફ જુણસ મંધરાની અટક કરી છે. પ્રતિમાને નુકસાન કરનાર ચારે કિશોર વયના આરોપી સામે જૂવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસની સમયસૂચકતા સાથે લોકોની સમજદારીના લીધે ગામમાં શાંતિપૂર્ણ માહૌલ જળવાયેલો રહ્યો છે.
Share it on
|