કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ ભુજની વ્હાઈટ હાઉસ સ્કુલના સ્પોર્ટસ કોચે બાસ્કેટ બૉલની મેચ હારી જનારી છાત્રાઓને ગંદી ગાળો ભાંડી હોવાનો વિવાદ તાજો છે ત્યાં નખત્રાણાની શાળાની હોસ્ટેલના ગૃહપતિએ ધોરણ ૮ના છાત્રને ઢોર માર માર્યો હોવાનો બનાવ બન્યો છે. શાળાએ આપેલું ગૃહકાર્ય અધૂરું હોવાની બાબતે હોસ્ટેલના ગૃહપતિએ કરેલી મારકૂટની ઘટના અંગે છાત્રના વાલીએ એટ્રોસીટી અને મહાવ્યથાની કલમો તળે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નખત્રાણા તાલુકાના વડવાકાયા ગામે રહેતા વિપુલ બુચિયાએ પોલીસને જણાવ્યું કે તેમનો ૧૨ વર્ષનો પુત્ર નખત્રાણાની સંતકૃપા સ્કુલમાં ધોરણ ૮માં ભણે છે અને શાળાની હોસ્ટેલમાં રહે છે.
સાતમ આઠમના તહેવારોની રજા નિમિત્તે આજે સવારે તેઓ પુત્રને ઘરે તેડી જવા હોસ્ટેલ ગયાં ત્યારે પુત્રના ગાલ પર મુઢ મારના નિશાન જોવા મળ્યાં હતાં.
પુત્રને ઈજાના નિશાન અંગે પૂછતાં તેણે ગભરાતાં ગભરાતાં કહ્યું હતું કે તે રમવા ગયો હોઈ લેસન અધૂરું રહી ગયું હતું. લેસન અધૂરું હોઈ શાળાએ તેની નોંધ ગૃહપતિને મોકલી હતી. ગઈકાલે સોમવારે રાત્રે લેસન બાબતે ગૃહપતિ દિલીપસિંહ જાડેજાએ તેને બોલાવીને ‘રમવા જાય કે ગમે ત્યાં જાય લેસન પૂરું હોવું જોઈએ’ તેમ કહી ગાલ પર મુક્કા માર્યાં હતાં. આટલેથી સંતોષ ના થતાં દિલીપે પગ પર લાકડીના ફટકાં મારી વાળ પકડી તેનું માથું દિવાલમાં ભટકાવ્યું હતું.
માર માર્યાં બાદ દિલીપે તે અંગે કોઈને ના કહેવા નહિંતર રજા પરથી હોસ્ટેલમાં પાછો આવે ત્યારે ફરી માર ખાવો પડશે તેવી ધમકી આપી હતી.
મારના લીધે ખૂબ પીડા થતી હોઈ ફરિયાદી પુત્રને સારવાર માટે નખત્રાણાની સરકારી હોસ્પિટલે લઈ ગયાં હતાં. માથામાં દુઃખાવો હોઈ છાત્રને સીટી સ્કેન માટે ભુજ મોકલવામાં આવ્યો હતો.
શિક્ષક દિને જ નિવાસી શાળાના ગૃહપતિ સામે છાત્ર જોડે મારકૂટની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
Share it on
|