કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ વેરાવળમાં ભણતા ૧૭ વર્ષના કિશોરને ચોપડાં પર લગ્નની વિધિ કરનાર ગોર મહારાજ દર્શાવી, ખોટાં આધાર પૂરાવા રજૂ કરીને કથિત પ્રેમલગ્ન કરનાર યુગલે ગ્રામ પંચાયતમાંથી લગ્નનું પ્રમાણપત્ર કઢાવી લીધું હોવાનો બનાવ બહાર આવ્યો છે. બનાવ અંગે નખત્રાણા પોલીસે લગ્ન કરનાર યુવક વિરુધ્ધ ફોર્જરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માંડવીના કોકલિયા ગામે રહેતા ફરિયાદી જીતેન્દ્ર જોશીનો ૧૭ વર્ષનો પુત્ર દર્શન વેરાવળની કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ૧૨મી ફેબ્રુઆરીના રોજ બિદડા ગામે રહેતી યુવતીના પિતા સહિત ત્રણ જણાં જીતેન્દ્રભાઈને મળવા આવ્યાં હતાં. તેઓ નખત્રાણાની દેશલપર (ગુંતલી) ગ્રામ પંચાયતના તલાટીએ ઈસ્યૂ કરેલું લગ્નનું પ્રમાણપત્ર, દેશલપર ગામના શિવ મંદિરમાં ચોથી જાન્યુઆરીએ બિદડાના રાજેશ લધા સંઘારે બિદડાની યુવતી સાથે કરેલાં લગ્નની વિધિ પુરોહિત તરીકે પોતે કરાવી હોવાની દર્શન જોશીએ પોતાની સહી સાથે આપેલા લગ્ન સંસ્કાર પ્રમાણપત્ર, દર્શનના આધાર કાર્ડ વગેરે દસ્તાવેજ લઈને આવ્યાં હતાં.
ફરિયાદીએ પુત્રને ફોન કરીને પૂછતાં પુત્રએ જાન્યુઆરીમાં આખો મહિનો વેરાવળમાં જ રહ્યો હોવાનું જણાવીને પોતે આવા કોઈ લગ્ન કરાવ્યાં હોવાનો કે લગ્ન સંસ્કારનું પ્રમાણપત્ર યા રસીદ આપી હોવાનો ઈન્કાર કર્યો હતો.
પોતાના આધાર કાર્ડની નકલ કોઈને આપી હોવાનો પણ ફરિયાદીના પુત્રે ઈન્કાર કર્યો હતો. જે સહી કરાયેલી હતી તે ખોટી હતી. આ નકલી આધારો રજૂ કરીને પ્રેમ લગ્ન કરનાર રાજેશ સંઘારે ગ્રામ પંચાયતમાંથી લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવ્યું હતું. પોલીસે રાજેશ સંઘાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|