કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના મોટાં રણમાં છારી ઢંઢ નજીક દેશી બંદૂકના ભડાકે ૨૫ કુંજ પંખીઓનો શિકાર થયો હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. નિરોણા પોલીસ અને શિકારીઓ વચ્ચે ફિલ્મી સ્ટાઈલમાં કાર ચેઝીંગ થયાં બાદ શિકારીઓની બોલેરો પલટી ગયેલી. ગાડી પલ્ટી જતાં શિકારીઓ નાસી ગયાં છે. નિરોણાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. મકવાણાએ જણાવ્યું કે ‘આજે બપોરે એક વાગ્યાના અરસામાં છારી ઢંઢ આસપાસના રક્ષિત વિસ્તારમાં બંદૂકના ભડાકે અબોલ પંખીઓનો શિકાર થતો હોવાની બાતમી મળેલી. અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે એક બોલેરો જીપમાં બેઠેલાં શિકારીઓ અમને જોઈને નાસવા માંડેલાં. અમે પણ તેમનો પીછો શરૂ કરેલો. ખારાપાટ રણમાં આગળ પૂરઝડપે તેમની જીપ જતી હતી અને તેના લીધે ધૂળના ગોટેગોટા ઉડતાં હોઈ અમે તેમને આંતરી શકતાં નહોતાં’
શિકારીઓની જીપનો પીછો કરતાં કરતાં પોલીસ નરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા છછલા સુધી પહોંચી ગઈ હતી. દરમિયાન, શિકારીઓની જીપનું એક ટાયર પાળો ચૂકી જતાં બોલેરો જીપ પલ્ટી ખાઈ ગઈ હતી. પાછળ રહેલી પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેમાં સવાર તમામ શિકારીઓ નાસી છૂટ્યાં હતાં.
બોલેરોમાંથી ૨૫ કુંજના મૃતદેહ, બંદૂક, ઓજાર મળ્યાં
પોલીસે બોલેરોની તલાશી લેતાં તેમાંથી ૨૫ કુંજ પંખીના મૃતદેહ, એક દેશી બંદૂક, ૨૪ જીવતાં અને ખાલી કારતૂસ, બે છરી, કુહાડી, એક મોબાઈલ ફોન વગેરે મળી આવ્યાં હતાં. પોલીસે GJ-12 BW-9012 નંબરની બોલેરો કબજે કરીને આર્મ્સ એક્ટ તળે બોલેરો ચાલક, ફોનધારક સહિતના અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. શિકારીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત કાયદેસર કાર્યવાહી કરવા કુંજ પંખીઓના મૃતદેહ તુગા રેન્જ ફોરેસ્ટરને સુપ્રત કર્યાં છે. સૂત્રોના દાવા મુજબ નાસી ગયેલાં ત્રણેક શિકારી પોલીસની હાથવેંતમાં આવી ગયાં છે. ઉલ્લેખનીય છે કે, નલિયા આરએફઓ (ઉત્તર રેન્જ) એ.એચ. સોલંકીએ અબડાસાના પાટ ગામે સસલા અને તેતરનો શિકાર કરનાર ભજીર મામદ મીઠુ નામના શિકારીને ગઈકાલે પોલીસની મદદથી ઝડપી પાડી ચાળીસ હજારનો દંડ ફટકારવા સાથે અન્ય ધારાઓ તળે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Share it on
|