કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના ૬૧ વર્ષિય પરસોત્તમ પ્રેમજીભાઈ નાથાણી (પટેલ) પર ૨૭ ઓક્ટોબરે લોખંડના પાઈપથી હુમલો કરી તેમનો પગ ભાંગી નાખનાર ત્રણ આરોપીની કબૂલાતમાં હુમલો કરનાર ચોથા આરોપીનું નામ બહાર આવતાં પોલીસે તેને પણ દબોચી લીધો છે. પરસોત્તમભાઈ અલ્ટો કારથી કોટડાથી ખાંભલા રોડ પર આવેલી તેમની વાડીએ જતાં હતાં. ત્યારે, રસ્તામાં નંબર પ્લેટ વગરની બ્લેક સ્કોર્પિયો અને સફેદ કાર લઈને આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ ફિલ્મી ઢબે રોડ પર તેમને આંતરીને હુમલો કર્યો હતો. બનાવ અંગે ઈજાગ્રસ્તે ધંધાકીય અદાવતમાં જે.પી. મોલના જૂનાં પાર્ટનર જગદીશ લાલજી વાડીયા (રહે. દેવકીનગર, નખત્રાણા) અને તેના પુત્ર હિતેષના ઈશારે હુમલો થયો હોવાની શંકા દર્શાવી હતી.
LCBએ ત્રિપુટી પકડ્યાં બાદ ચોથો ગુંડો ઝબ્બે
ગુનાને ગંભીરતાથી લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને ઈન્ચાર્જ એસપી વિકાસ સુંડાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઈન્વેસ્ટીગેશન હાથ ધરેલું. એલસીબીએ ૩૪ ગામના સીસીટીવી અને ૪૯ જેટલી કારની તપાસ હાથ ધરીને બોનેટ પર સ્વસ્તિક દોરેલી બ્લેક સ્કોર્પિયો કારના આધારે ત્રણ માથાભારે ગુંડાને ઝડપી પાડ્યાં હતાં. એલસીબીએ પકડેલાં ત્રણ ગુંડામાં અશોકસિંહ વિજયસિંહ જાડેજા (રહે. વેમ્બલી પાર્ક, માધાપર જૂનાવાસ), ભરત વાલજી હિરાણી (પટેલ) (રહે. સરલી, ભુજ) અને કિશોર કાન્તિલાલ દાતણિયા (રહે. ભુજ)ને નખત્રાણા પોલીસે આવતીકાલ સુધીના રીમાન્ડ પર લઈ પૂછપરછ કરતાં પરસોત્તમભાઈને પાઈપ મારીને પગ ભાંગી નાખનાર ચોથા ગુંડા રવિરાજસિંહ જાડેજા (મૂળ રહે. મંજલ, નખત્રાણા હાલ રહે. માધાપર)ની સંડોવણી બહાર આવતા તેને પણ દબોચી લીધો છે.
ગુંડાઓ પોલીસને ગેરમાર્ગે દોરતાં હોવાની આશંકા
ઝડપાયેલાં આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં એમ જણાવ્યું છે કે અશોક અન્ય ત્રણ જણને હુમલો કરવા સ્થળ પર લઈ આવ્યો હતો. પરસોત્તમભાઈએ ગૌચર જમીન દબાવી હોઈ તે ખાલી કરાવવા તેમણે હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. જો કે, પોલીસને તેમની કબૂલાત પર ભરોસો નથી બેઠો. અશોક પર મર્ડર, મારામારી, હુમલા સહિતના સાત જેટલાં ગુના માનકૂવા, નખત્રાણા, માધાપર, ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં છે અને ચારેક વખત તેની સામે પોલીસે અટકાયતી પગલાં પણ લીધેલાં છે. તો, ભરત પણ ખંડણી માટે હુમલો, રાયોટીંગ, મારામારી સહિતના ચાર ગુનાનો આરોપી છે. કિશોર પર પણ મારામારી અને ચોરીના બે ગુના નોંધાયેલાં છે. બીજી તરફ, ફરિયાદીએ પોતે કોઈ ગૌચર જમીન દબાવી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ લુખ્ખાઓ કશી લેવા-દેવા વગર કથિતપણે ગૌચર જમીન ખાલી કરાવવા હુમલો કરે તે બાબત પોલીસને ગળે ઉતરતી નથી.
ઈન્ચાર્જ એસપીએ ભુજમાં કર્યું ઈન્ટરોગેશન
આ ચારે જણે સોપારી લઈને હુમલો કર્યો હોવાનું અને સોપારી આપનારનું નામ તથા હેતુ જાહેર કરતાં ના હોવાનું પોલીસ માની રહી છે. ઘટનાને ગંભીરતાથી લઈ આજે ઈન્ચાર્જ એસપી વિકાસ સુંડાએ ચારે ગુંડાઓને લઈ પોતાની ઑફિસે આવવા નખત્રાણાના પીઆઈને આદેશ કર્યો હતો. જો કે, એસપીએ હાલ મગનું નામ મરી પાડવાના બદલે ‘અભી ઈન્વેસ્ટીગેશન જારી હૈ’ કહીને વિશેષ વિગતો આપવાનું ટાળ્યું છે.
Share it on
|