કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના ગુંદાલા ગામે રહેતા યુવાન દંપતીએ ચાર વર્ષની દીકરી સાથે માલગાડી નીચે પડતું મૂકી સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં અરેરાટી છવાઈ ગઈ છે. દંપતીનું ગાડીના પૈડાં નીચે કચડાઈ જતાં મૃત્યુ થયું છે, બાળકીનો આબાદ બચાવ થયો છે. ભદ્રેશ્વર નજીક વડાલા રેલવે ફાટક પાસે ગત રાત્રે ૧૦.૩૦થી ૧૧ના અરસામાં બનાવ બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ બ્રિજેશ હસમુખગીરી ગુંસાઈ (ઉ.વ. ૨૫), તેની પત્ની રંજનાબેન (ઉ.વ. ૨૪)એ તેમની ચાર વર્ષની દીકરી સાથે માલગાડી નીચે પડતું મૂક્યું હતું. પતિ પત્ની બેઉ જણ ટ્રેનની ટક્કરે કચડાઈ ગયાં હતા પરંતુ દીકરી રેલવે ટ્રેકની વચ્ચે આવી ગયેલી. માલગાડીના ડ્રાઈવરે તત્કાળ બ્રેક મારી ટ્રેન થોભાવી હતી. છતાં દીકરી ઉપરથી માલગાડીના ચાર પાંચ વેગન પસાર થઈ ગયાં હતાં.
લોકો પાયલટ અને સ્થાનિકે હાજર લોકોએ દોડીને જઈને જોયું તો વેગન નીચે દીકરી રડતી રડતી બેઠી હતી.
મરણ જનાર બ્રિજેશ ગામમાં માતાજીના મંદિરે સેવા પૂજા કરતો હતો.
આપઘાત કરવાનો નિશ્ચય કરીને દંપતી તેમની ઝાયલો કાર લઈને ભદ્રેશ્વર આવ્યું હતું. ફાટકથી થોડેક દૂર કાર થોભાવીને રાતના અંધારામાં દંપતી પગપાળા ચાલતું ટ્રેક પર પહોંચ્યું હતું.
આપઘાતનું કારણ આર્થિક સંકડામણ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે કાર ચેક કરતાં કારના ડેશબૉર્ડ પરથી દંપતીએ સ્વેચ્છાએ આપઘાત કરતાં હોવાનું લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે. મૃતકના સ્વજનો આઘાતમાં હોઈ પોલીસે હાલપૂરતું વધુ કોઈ પૂછપરછ કે તપાસ કરવાનું ટાળ્યું છે. આ બનાવે ભારે અરેરાટી સર્જી દીધી છે. મુંદરા મરીન પીએસઆઈ નિર્મલસિંહ જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.
Share it on
|