કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના એક યુવકને બળાત્કારના ખોટાં કેસમાં ફસાવી દેવાની બીક બતાડી કાર પડાવી અને મકાનનો દસ્તાવેજ પડાવી લેનારી ટોળકીના બે શખ્સો સામે વ્યાજખોરીના બે ગુના દાખલ થયાં છે. મુંદરાના પાવાપુરી ચાર રસ્તા પાસે સહારા ફાયનાન્સ નામથી નાણાં ધીરધારની પેઢી ચલાવતા મોહમ્મદ શકીલ યાકુબ ધુઈયા સામે વ્યાજખોરીના બે જુદાં જુદાં ગુના દાખલ થયાં છે. જે પૈકી એક ફરિયાદમાં શકીલ સાથે મોહમ્મદ રફીક હાજી ખોજા સહઆરોપી છે. ૧૫ લાખ સામે ૩૫.૮૦ લાખ વસૂલ્યાં છતાં વસૂલાત બાકી
મુંદરાના સાડાઉ ગામે રહેતા ૫૧ વર્ષિય પચાણ ઉગાભાઈ ફફલે શકીલ વિરુધ્ધ ગેરકાયદે ઊંચી વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી કરી, ધાક-ધમકી કરતો હોવાની ફરિયાદ નોંધાવતાં જણાવ્યું છે કે પોતે વિદેશથી ટાયર આયાત કરવાનો ધંધો કરે છે. ધંધામાં એકાએક નાણાંની જરૂર ઊભી થતાં ૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ શકીલ પાસેથી ૧૦ ટકા વ્યાજે ૧૦ લાખ રોકડાં રૂપિયા મેળવ્યાં હતાં. બાંહેધરી પેટે શકીલે સહી કરેલાં બે કોરાં ચેક મેળવ્યાં હતાં.
નાણાં વ્યાજે મેળવ્યાના ૧૩ દિવસની અંદર જ શકીલને ટૂકડે ટૂકડે ૭.૬૫ લાખ રૂપિયા પરત આપી દીધેલાં. બાદમાં પોતે દુબઈ ગયેલ અને ત્યાં જરૂર પડતાં શકીલ પાસેથી વધુ પાંચ લાખ રૂપિયા વ્યાજે મેળવીને આંગડિયા મારફતે મેળવ્યાં હતાં.
શકીલ પાસેથી મેળવેલાં રૂપિયા સામે શકીલ જ્યારે જ્યારે વ્યાજની ઉઘરાણી કરતો ત્યારે ત્યારે ફરિયાદી ગોલ્ડ લોન કે બેન્ક લોન મેળવી યા અન્ય મિત્રો પરિચિતો પાસેથી વ્યવસ્થા કરીને તેને તુરંત નાણાં મોકલી આપતો. મોટાભાગના રૂપિયા ફરિયાદીએ મે ૨૦૨૩ સુધીમાં ચૂકવી દીધેલાં. છતાં વ્યાજનું ચકરડું ચાલું જ રહેતાં છેલ્લે ફરિયાદીએ તેને ઑગસ્ટ ૨૦૨૩માં મુંદરાના નીલકંઠ પાર્કમાં પત્નીના નામે આવેલો પ્લોટ ચાર લાખ રૂપિયામાં લખી આપ્યો હતો.
શકીલ પાસેથી મેળવેલાં ૧૫ લાખ સામે ફરિયાદીએ પ્લોટ સહિત ૩૫.૮૦ લાખ રૂપિયા ચૂકવી આપ્યાં છે.
છતાં શકીલ હજુ ૧૬.૫૦ લાખ રૂપિયાની ઉઘરાણી બાકી હોવાનું કહીને સતત ઑફિસે આવી અથવા ફોન કરી ધાક ધમકી કરીને પઠાણી ઉઘરાણી કર્યાં કરે છે.
૩૦ હજાર સામે મકાન, ટીવી, ફ્રીજ, કબાટ પડાવી લેવાયાં
મુંદરાના બારોઈમાં રહેતા ૩૮ વર્ષિય અભુભખર ઉમર કુંભારે પણ શકીલ અને એમ.એચ. ખોજા સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી, ખંડણી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. પત્નીને મગજની બીમારી હોઈ અભુએ દોઢ વર્ષ અગાઉ શકીલ પાસેથી માસિક ૨૦ ટકા વ્યાજે ૩૦ હજાર રૂપિયા મેળવેલાં. તેની સામે અભુએ દર મહિને ૭૫૦૦ લેખે પાંચ માસ સુધી ૩૭,૫૦૦ રૂપિયા ચૂકવી આપેલાં. છતાં વ્યાજનું ચકરડું ચાલું રહેતાં કંટાળીને તે અને તેનો પરિવાર ઘર છોડીને બીજે રહેવા જતાં રહેલાં.
છએક માસ બાદ અભુ ફરી મુંદરા રહેવા આવતા શકીલ તેને ભેટી ગયેલો અને હજુ ૧૦ હજાર લેવાના બાકી નીકળે છે તેમ કહીને મારી નાખવાની ધમકી આપી તેનું મકાન બે લાખમાં લખાવી દઈ ૧.૯૦ લાખ પાછાં આપી દેવાનું કહેલું.
અભુ શકીલની ઑફિસે ગયો ત્યારે ખોજાએ મકાન અંગેનું લખાણ તૈયાર કરેલું અને તેમાં તેની સહી લીધેલી. સહી કર્યાં બાદ બેઉ જણે તેને ઑફિસમાં જ મારવાની ધમકી આપેલી.
ત્રણ માસ બાદ શકીલે ફરી અભુ પાસે હજુ તારે ૩૫ હજાર દેવાના બાકી નીકળે છે તેમ કહી તેના ઘરે આવીને ઘરમાંથી ૨૫ હજારનું ફ્રીજ, ૨૭ હજારનું ટીવી, ૧૮ હજારનું લાકડાનું કબાટ બળજબરીથી લઈ ગયો હતો.
હજુ પણ શકીલ પાંચ હજાર રૂપિયા બાકી નીકળતાં હોવાની ધમકી આપ્યાં કરે છે.
હજુ પણ અનેક ફરિયાદ નોંધાય તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે પોલીસે શકીલ અને ખોજાની ઑફિસમાં સર્ચ કરીને જમીન, મિલકતને લગતાં સંખ્યાબંધ દસ્તાવેજો, કોરાં ચેક, મરણના દાખલા, સ્યુસાઈડ નોટ, રોકડાં રૂપિયા, બે કાર સહિતના દસ્તાવેજો કબજે કર્યાં છે. તેમનો ભોગ બનનારાઓને આગળ આવી ફરિયાદ નોંધાવવા પોલીસે કરેલા જાહેર અનુરોધના પગલે બંને ફરિયાદીએ આ ફરિયાદ નોંધાવી છે. આગામી સમયમાં હજુ પણ આવી અનેક ફરિયાદો દાખલ થવાની સંભાવના છે. પીઆઈ આર.જે. ઠુંમરે કહ્યું કે ખોજા પોતે કોઈ વકીલ નથી પરંતુ લોકોમાં વકીલ હોવાનો ભ્રમ સર્જીને ઑફિસ ખોલી, તેમાં માણસો કામે રાખીને લીગલ ડોક્યુટમેન્ટ તૈયાર કરી આપતો હતો.
Share it on
|