કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના ધ્રબ વાડી વિસ્તારમાં ચાલું ફરજે કારમાં દારૂની મહેફિલ માણતી વખતે સ્થાનિક લોકો જોડે ડખો કરતાં વન વિભાગના વનપાલ અને વન રક્ષકને લોકોએ ગડદા પાટુ તથા લાકડીઓથી સરખા કૂટી નાખી પોલીસ હવાલે કર્યાં છે. ડખા સમયે બેઉ જણે એક ખેડૂતને માર મારતાં તેમની સામે ફરિયાદ દાખલ કરાઈ છે. તો, પોલીસે પણ બેઉ પીધેલાં વન કર્મચારીઓની ગાડીમાંથી એક બાટલી જપ્ત કરી અલગ અલગ ફરિયાદો નોંધી છે. મુંદરા નોર્મલ રેન્જ ફોરેસ્ટ વિભાગમાં વનપાલ તરીકે નોકરી કરતો નવીન ચેલાભાઈ વળાગાંઠ (ચૌધરી) (ઉ.વ. ૩૭, રહે. કમલમ સોસાયટી, મુંદરા મૂળ રહે. પાલનપુર) અને વનરક્ષક રતન હમીરભાઈ મધુડા (ગઢવી) (રહે. ફોરેસ્ટ ક્વાર્ટર, મુંદરા મૂળ રહે. મોટા ભાડિયા, માંડવી) બેઉ જણ મંગળવારે સાંજે છ વાગ્યાના અરસામાં ખાનગી આઈ ટ્વેન્ટી કારમાં પેટ્રોલીંગના બહાને વાડી વિસ્તારમાં ફરતાં ફરતાં દારૂ પીવાની મજા માણી રહ્યાં હતાં.
ધ્રબ વાડી વિસ્તારમાં એક વાડીના ગેટ આગળ કાર થોભાવી બેઉ જણ દારૂ પીને ઠઠ્ઠા મસ્તી કરી રહ્યાં હતા.
વાડીમાં રહેતા ૫૨ વર્ષિય અબ્દુલ કાદર જુસબ તુર્કે ‘તમે નશામાં છો, અહીંથી મહિલાઓ આવ-જા કરતી હોઈ ઠઠ્ઠા મસ્તી ના કરો’ તેમ જણાવતાં બેઉ જણે ઝઘડો કરીને ગાડીની ડીકીમાંથી પોલીસ ઉપયોગ કરે છે તેવા પ્લાસ્ટિક અને નેતરના ડંડા કાઢીને અબ્દુલ તુર્કને માર મારવાનું શરૂ કરેલું. અબ્દુલને બચાવવા બાજુની વાડીમાં રહેતો અલીમામદ તુર્ક વચ્ચે પડતાં તેને પણ મારવા માંડ્યા હતાં.
દારૂડિયા વન કર્મચારીઓની દાદાગીરી જોઈને આસપાસની વાડીના વીસ પચ્ચીસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું ટોળાએ નવીન ચૌધરી અને રતન ગઢવીને સરખા કૂટી નાખ્યાં હતાં. ત્યારબાદ પોલીસને જાણ કરી સ્થળ પર બોલાવતાં પોલીસ બેઉને ત્યાંથી લઈ ગઈ હતી.
મારકૂટમાં નવીન ચૌધરીને નાક પર લાકડી વાગતાં લોહી વહી નીકળ્યું હતું.
બંને સામે મારકૂટ અને દારૂબંધી હેઠળ ત્રણ ફરિયાદ
બનાવ અંગે અબ્દુલ કાદર તુર્કે બંને સામે દારૂ પીને માર મારવાની ફરિયાદ નોંધાવી છે. બંને પીધેલાં વન કર્મચારી શરીરનું સમતોલપણું જાળવી શકતાં નહોતાં. પોલીસે બંને સામે સરકાર તરફે નશાબંધીની કલમો તળે ગુનો નોંધ્યો છે. કારમાંથી દારૂની બાટલી મળતાં તે અંગે પણ અલાયદી ફરિયાદ નોંધી છે.
‘ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે’ જેમ વળતી ફરિયાદ
‘ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે’ની જેમ નવીન ચૌધરીએ તેમની સાથે થયેલી મારકૂટ અંગે ઈરફાન તુર્ક અને તેની સાથેના અજાણ્યા ચાર લોકો વિરુધ્ધ ફરજમાં રૂકાવટ કરીને માર માર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવી છે. રતને અગાઉ ઈરફાનનું રેતી ભરેલું ટ્રેક્ટર કબજે કરેલું તેની અદાવત રાખી પોતે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે ઈરફાન તુર્ક અને અજાણ્યા માણસોએ તેમને અટકાવી મારકૂટ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. બબાલ દરમિયાન વીડિયો શૂટ કરવા બહાર કાઢેલો મોબાઈલ ઝપાઝપીમાં પડી ગયો હોવાનું ચૌધરીએ લખાવ્યું છે.
Share it on
|