કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા નગર અને તાલુકામાં દારૂનું દૂષણ બેફામ બન્યું છે. આજે આ મુદ્દે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ, પાલિકાના વિપક્ષી સદસ્યો અને કરણી સેના સહિત સામાજિક આગેવાનોએ પોલીસ અને મામલતદારને આવેદન પત્ર આપ્યું છે. કોંગ્રેસના સદસ્યોએ આરોપ કર્યો છે કે મુંદરામાં ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, ઈંગ્લિશના પોઈન્ટ ચાલે છે. દારૂના નશામાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે પરંતુ પોલીસના પેટનું પાણી હલતું નથી. આટલો બધો દારૂ ક્યાંથી આવે છે તે સૌથી મોટો સવાલ છે. દારૂબંધી કેવળ કાગળ પર રહી ગઈ હોવાનું આ દ્રશ્યો જોઈને સાબિત થાય છે. જો પંદર દિવસમાં દારૂની બદી નાથવામાં ના આવે તો જનતા રેઈડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.
દારૂ સાથે બેફામ ખનિજ ચોરી અને ટ્રાફિક સમસ્યાને કાબૂમાં લાવવા રજૂઆત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે થોડાંક સમય અગાઉ માંડવી બીચ પર ખૂલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયેલો. તો, થોડાંક દિવસ અગાઉ ખાવડામાં દેશી દારૂની હજારો કોથળીઓ પડી હોવાનો અને કિશોરો દારૂ ભરતાં હોવાનો વીડિયો વાયરલ થયેલો. નખત્રાણામાં દૂધની ફેરીની જેમ દારૂ વેચાતો હોવાના સમાચારના કટીંગ ફર્યાં કરે છે. મુંદરા પોલીસ આંકડાઓના આધારે કડક કામગીરી થતી હોવાનો ખુલાસો કરે છે પરંતુ વાસ્તવિક્તા સૌની નજરે છે.
પશ્ચિમ કચ્છના લગભગ મોટાભાગના શહેરો અને વિસ્તારોમાં આ હાલત છે. ત્યારે, કોના આશીર્વાદથી ઠેર ઠેર દારૂના અડ્ડા બિન્ધાસ્ત ધમધમી રહ્યાં છે તે પબ્લિક વગર કહ્યે સમજે છે.
પોતાના કહ્યાગરા અધિકારીઓ નીમાવવા માટે લોબીઈંગ કરતાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જો આ બાબતને ગંભીરતાથી ના લે તો આગામી દિવસોમાં તેના દુષ્પરિણામો જોવા મળશે તે હકીકત છે.
Share it on
|