કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદારામાં આવેલા અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ બે ક્વાર્ટરમાં જ ૧૦૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. ગત વર્ષની તુલનાએ અદાણી પોર્ટે આ વખતે એક મહિના અગાઉ જ આ સિમાચિહ્ન સર કર્યું છે. આ માઈલસ્ટોન પાર કર્યા બાદ હવે ચાલું વર્ષે ૨૦૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક હસ્તગત કરવા એસેઝની ટીમ ભારે ઉત્સાહી બની છે. પોર્ટે ગત વર્ષે ૨૮ ઓક્ટોબરના રોજ ૧૦૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગની સિદ્ધિ હાંસલ કરી હતી. પાછલાં ક્વાર્ટરમાં અદાણી પોર્ટના માસિક કાર્ગો વોલ્યુમ હેન્ડલિંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો.
અદાણી પોર્ટે સપ્ટેમ્બર માસમાં ૧૬૩૭ ટ્રેન થકી ૧ લાખ ૮૪ હજાર કન્ટેઈનરો હેન્ડલ કરીને પણ નવો રેકોર્ડ બનાવ્યો છે, જેમાં ૭૬૬ ડબલ રેક કન્ટેનર ટ્રેન થકી ૪૩ હજાર કન્ટેઈનર પરિવહન કરવામાં આવ્યાં છે. જુલાઇ ૨૦૨૪માં ૧ લાખ ૭૪ હજાર કન્ટેઈનર હેન્ડલિંગના કરેલા રેકોર્ડને આ સિધ્ધિએ સર કર્યો છે.
આ ઉપરાંત સાઉથ પોર્ટ રેલવે હેડ અને એક્ઝિમ યાર્ડમાં અનુક્રમે ૧,૪૪,૬૯૬ અને ૩૮,૩૧૩ રેકોર્ડ બ્રેક કન્ટેઈનર મૂવમેન્ટ થવા પામી હતી જે અગાઉના કન્ટેઈનર હેન્ડલિંગ રેકોર્ડને વટાવી જાય છે. ૧૮૧ દિવસમાં ૧૦૦ MMT કાર્ગો હેન્ડલિંગ થકી અદાણી મુંદરા પોર્ટ ભારતીય પોર્ટ અને શિપિંગ ઈન્ડસ્ટ્રીમાં મોખરે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌપ્રથમવાર ડબલ રેક કન્ટેઈનર હેન્ડલિંગ મુંદરા પોર્ટ દ્વારા જ શરૂ કરવામાં આવ્યું હતું.
APSEZના કુલ પોર્ટસ મળીને સપ્ટેમ્બર માસમાં ૩૭.૫ MMT કાર્ગોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૩૧ ટકા ગ્રોથ કન્ટેઈનર હેન્ડલિંગમાં નોંધાયો છે. લિક્વિડ અને ગેસ કાર્ગો હેન્ડલિંગમાં ૧૧ ટકાનો વધારો નોંધાયો છે.
વર્તમાન વર્ષે રેલ કાર્ગો વોલ્યુમ સાથે કંપનીએ લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ નોંધપાત્ર પરફોર્મન્સ બતાવ્યું છે. વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ૬ મહિના દરમિયાન અદાણી પોર્ટે કુલ ૨૧૯.૮ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે વાર્ષિક સાડા ૮ ટકાનો વધારો દર્શાવે છે. આ કાર્ગો હેન્ડલિંગમાં કન્ટેઈનર, લિક્વિડ અને ગેસ તથા અન્ય કાર્ગોનો સમાવેશ થાય છે. આ સફળતા પોર્ટ યુઝર્સ, કર્મચારીઓ, અધિકારીઓ અને ટ્રેડ ઇન્ડસ્ટ્રીના સહકારથી પ્રાપ્ત થવા પામી છે.
Share it on
|