કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ ખંડણી, વ્યાજખોરીના ત્રણ ગુનામાં સંડોવાયેલાં મુંદરાના શકીલ ધુઈયા સામે ગેરકાયદે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણીની વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. તો, પોલીસે શકીલની ત્રણ મિલકતોના ગેરકાયદે વીજ જોડાણો કટ કરાવી ૫૫ હજારની વીજચોરી ઝડપી છે. મુંદરાની અલકનંદા સોસાયટીમાં રહેતા આટા ચક્કી ચલાવતા આસિફ ફકીરમામદ પિંજારાએ ફરિયાદમાં જણાવ્યું કે ચારેક વર્ષ અગાઉ લૉકડાઉન ટાણે સંતાનની ઓનલાઈન શિક્ષણની ફી ભરવા માટે તેણે શકીલ પાસેથી માસિક ૧૦ ટકાના વ્યાજદરે ૧ લાખ રૂપિયા મેળવ્યા હતા. શકીલે એડવાન્સમાં જ ૧૦ હજાર રૂપિયાનો હપ્તો કાપીને તેને ૯૦ હજાર આપેલાં. પોતે એક વર્ષની અંદર તેને મહિને દસ હજાર લેખે ૧.૨૦ લાખ રૂપિયા ચૂક્તે કરી દીધાં હતાં. દરમિયાન, ફરી નાણાંની જરૂર ઊભી થતાં શકીલ પાસેથી વધુ દોઢ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજદરે મેળવ્યાં હતાં. એકાદ વરસ નિયમિત રીતે મહિને વ્યાજ ચૂકવ્યું હતું પરંતુ પછી નાણાંકીય સ્થિતિ કથળવા માંડતા માસિક હપ્તો ચૂકવવાનો રહી જતો.
વ્યાજ પર વ્યાજ અને પેનલ્ટી લગાડવાનું શરૂ કરી શકીલ તેની દુકાને આવી પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવા માંડ્યો હતો.
જેથી એક દિવસ પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને શકીલને વ્યાજ મૂડી પેટે ૩ લાખ ચૂકવી આપેલાં. છતાં શકીલે હજુ ૧૦ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું કહીને ઉઘરાણી ચાલું રાખેલી. ફરિયાદી પાસેથી મેળવેલો કોરો ચેક બાઉન્સ કરાવી કેસ કરવાની ધમકી આપતો.
કંટાળીને આસિફે તેના ભાઈના મકાનને ગીરવે મૂકીને આસિફને ૪ લાખ રૂપિયા ચૂકતે કરી દીધાં હતાં.
છતાં આસિફ ૧૦ લાખ તો ચૂકવવા પડશે તેમ કહીને ધમકી આપ્યાં કરતો હતો. શકીલે હરદેવસિંહ ઝાલા નામના શખ્સના નામે ચેક બાઉન્સ કરાવીને તેના પર મુંદરા કૉર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. ફરિયાદી કૉર્ટની મુદ્દતે ગયો ત્યારે શકીલે ‘તારી હાલત હજુ વધુ ખરાબ કરીશ’ તેમ કહીને ધમકી આપીને ગમે તે રીતે દસ લાખ રૂપિયા આપી દેવા માગણી કરી હતી. અઢી લાખ રૂપિયા સામે ૧૪ લાખ ચૂકવી આપ્યાં હોવા છતાં શકીલની પઠાણી ઉઘરાણી યથાવત્ રહી હોવાનું આસિફે ફરિયાદમાં જણાવ્યું છે.
શકીલની ત્રણ મિલકતોમાં વીજચોરીનો પર્દાફાશ
શકીલના ગુનાઓની કરમકુંડળીનો વ્યાપ વધતો જાય છે ત્યારે મુંદરા પોલીસે બારોઈ ગામમાં આવેલી તેની મિલકતોની તપાસ કરતાં ત્રણ સ્થળે ગેરકાયદે વીજ કનેક્શનો મેળવ્યાં હોવાનું બહાર આવતાં વીજ તંત્રને સાથી રાખીને આ વીજ કનેક્શનો કટ કરાવ્યાં છે. પોલીસે બારોઈમાં શીતળા માતાના મંદિર પાસે આવેલી છ ઓરડીઓ અને પોસ્ટ ઑફિસ સામે આવેલી દસ ઓરડીઓમાં ગેરકાયદે લેવાયેલાં વીજ જોડાણો કટ કરાવીને ૪૦ હજારની વીજચોરી ઝડપી છે. એ જ રીતે, બારોઈના સીમાડે આવેલા તળાવ પાસે આવેલી વાડીમાં મેળવેલું ગેરકાયદે વીજ જોડાણ દૂર કરાવી ૧૫ હજારની વીજચોરી ઝડપી છે.
Share it on
|