કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ નાણાંની ઉઘરાણી મુદ્દે મુંદરાના મોટી ભુજપુર ગામે રહેતા ૨૮ વર્ષિય ઈમ્તિયાઝ હાસમ ચાકી નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરનારી આદિપુરની ત્રિપુટીને પોલીસે ઝડપી પાડી છે. ગત શુક્રવારે રાત્રે ૮થી ૮.૩૦ના અરસામાં આરોપીઓએ ઈમ્તિયાઝના તેના ઘર નજીક હત્યા કરેલી. હત્યા બાદ ત્રણે જણ નાસી છૂટ્યાં હતાં. ત્રિપુટીને ઝડપી પાડવા મુંદરા પોલીસ અને એલસીબીએ સંયુક્ત પ્રયાસો હાથ ધર્યાં હતાં. આરોપી જિજ્ઞેશ ઊર્ફે શ્યામ નારણ ગઢવી અને રામ દેવરાજ ગઢવી બેઉ જણ પોલીસથી બચવા સ્વિફ્ટ કારમાં અબડાસામાં ફરતાં હોવાની બાતમી મળતાં પોલીસે વાહન ચેકિંગ હાથ ધરીને સિંધોડીથી વાંકુ રોડ પરથી કારમાં પસાર થઈ રહેલાં બેઉ જણને ઝડપી પાડ્યાં છે. ત્રીજા આરોપી ગોવિંદ ઊર્ફે લાલો શિવરાજ ગઢવીને પોલીસે આદિપુરથી દબોચી લીધો છે. જિજ્ઞેશ અને ગોવિંદ બેઉ આદિપુરના સોનલધામના રહેવાસી છે, રામ ગઢવી આદિપુરની પાંચવાળી ઝૂંપડપટ્ટીમાં રહે છે. જિજ્ઞેશ મૂળ મુંદરાના કોટાયાનો વતની છે અને ગોવિંદ તથા રામ ગઢવી બેઉ સિંધોડીના વતની છે.
Share it on
|