કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના બારોઈ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી સૂર્યનગર સોસાયટીમાં પરોઢે પિતા પુત્રીનો ભોગ લેનારી ભીષણ આગ એલપીજી ગેસ લીકેજના કારણે ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દુર્ઘટનાના લીધે લોકોમાં આઘાત સાથે ગભરાટ છવાઈ ગયો છે. ઘરમાં આગ કેવી રીતે લાગી તે જાણવા માટે પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ હાલ તપાસ કરી રહી છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી.એન. ચાવડાએ કચ્છખબરને જણાવ્યું કે ‘પ્રાથમિક તપાસમાં એલપીજી ગેસ લીકેજના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાના તારણ પર અમે આવ્યાં છીએ’
આગના લીધે મરણ જનાર રવિકુમાર સોમેશ્વર રાવ (ઉ.વ. ૪૧) અને તેમની બે વર્ષની માસૂમ દીકરી જ્હાન્વી જીવતાં જ ભડથું થઈ ગયાં હતાં. તેમના પત્ની કવિતા પણ ગંભીર રીતે દાઝી ગયાં છે અને હાલ સારવાર હેઠળ છે. રવિકુમાર ખાનગી કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશનમાં સર્વેયર તરીકે નોકરી કરતાં હતા અને વર્ષોથી મુંદરામાં સપરિવાર સ્થાયી થયાં હતાં. બે માળના મકાનમાં ઉપરના માળે તેઓ રહેતા હતા અને નીચે તેમના મોટાભાઈ મહેશ રાવ રહે છે.
દૂધ ગરમ કરવા સ્ટવ ચાલું કર્યો ને...
પોલીસે મોટાભાઈના પરિવારજનોની પૂછપરછ કરતાં બહાર આવ્યું કે સવારે કવિતા દૂધ ગરમ કરવા ગેસ સ્ટવ ચાલું કરવા ગયેલાં અને દુર્ઘટના ઘટી હતી.
નિષ્ણાતો માની રહ્યાં છે કે લીક થયેલો એલપીજી ચોતરફ ફેલાઈ જતાં ઘર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું હશે અને તે સમયે ગેસનો સ્ટવ ચાલું કરતાં જ આગ ભભૂકી ઉઠવા સાથે પ્રચંડ ધડાકો થયો હશે.
જો કે, ઘરમાં રહેલો ગેસનો સિલિન્ડર અકબંધ હાલતમાં છે. પો.સ.ઈ. ચાવડાએ ઉમેર્યું કે અમે એસી મિકેનીકને બોલાવી તપાસ કરાવી પરંતુ એસીમાં કોઈ ફોલ્ટ ના હોવાનું બહાર આવ્યું છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે બંધ મકાનનો દરવાજો ‘ઉખડી’ને સામેના મકાનની છત પર પડ્યો હતો. તો, સામેના મકાનની બારીઓના કાચ પણ તૂટી ગયાં હતાં. અડોશપડોશના લોકો ગભરાઈને ઘર બહાર દોડી આવ્યાં હતા અને સૌ આગ ઓલવવા મચી પડ્યાં હતાં.
Share it on
|