કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા બારોઈમાં આવેલી મટન મચ્છી માર્કેટના વેપારીઓને નગરપાલિકાએ પાઠવેલી શૉ કોઝ નોટીસ આજે વિપક્ષી પદાધિકારીઓ અને હોદ્દેદારોની ઉગ્ર રજૂઆત બાદ રદ્દ કરી દેવાઈ છે. ગત ૨૦ નવેમ્બરના રોજ મુંદરા બારોઈ નગરપાલિકાએ મટન માર્કેટના ૩૪ વેપારીઓને તેમના આધાર પૂરાવા સાત દિવસમાં રજૂ કરી જવા નોટીસ પાઠવી હતી. આ મામલે પાલિકાના વિપક્ષી નેતા ઈમરાન જતના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રતિનિધિઓ અને વેપારીઓએ પાલિકામાં ધસી જઈ ઉગ્ર વિરોધ કરતાં નોટીસો રદ્દ કરવા નિર્ણય લેવાયો છે..
તમે CO છો કે MLAના આસિસ્ટન્ટ યા PA?
ઈમરાન જતે ચીફ ઑફિસર ભાવિન કાંધાણીને ઘેરતાં જણાવ્યું હતું કે ‘પાલિકાના પ્રમુખ અને શાસક પક્ષના પદાધિકારીઓ નોટીસ અંગે અજાણતા વ્યક્ત કરે છે ત્યારે તમે કોની સૂચનાથી આ નોટીસો ઈસ્યૂ કરી છે?’ ત્યારે, ચીફ ઑફિસરે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યે આ મુદ્દે કરેલી રજૂઆતના પગલે નોટીસો પાઠવી હોવાનું જણાવતાં રજૂઆતકર્તાઓ ઉકળી ઉઠ્યાં હતાં. ઈમરાન જતે સીઓને મૌખિક રીતે લબડધક્કે લેતાં પૂછ્યું હતું કે ‘તમે સીઓ છો કે ધારાસભ્યના આસિસ્ટન્ટ યા પીએ? એમએલએ ચાંપ દબાવે એટલે ઉપર નીચે થાવ છો? તમને પગાર જનતાના ટેક્સમાંથી મળે છે’ જેમને નોટીસ પાઠવાઈ છે તે રાજાશાહીના યુગથી મટન માર્કેટમાં કાયદેસર રીતે નોન વેજનું વેચાણ કરે છે.
રેકર્ડ જોયાં વગર કે ઠરાવ વગર નોટીસો અપાઈ
કોંગ્રેસે રજૂઆત કરી હતી કે નગરપાલિકાએ પોતાનું રેકર્ડ ચેક કર્યાં વગર કે સામાન્ય સભામાં કોઈ ઠરાવ વગર બારોબાર કઈ રીતે નોટીસો ઈસ્યૂ કરી દીધી? એક તબક્કે ફૂડ સેફ્ટી સંદર્ભે નોટીસો અપાઈ હોવાનો સીઓએ લૂલો બચાવ કર્યો હતો ત્યારે વિપક્ષી નેતાઓએ તૂટી પડીને વળતો સવાલ કર્યો હતો કે ફૂડ સેફ્ટીનો મુદ્દો હોય તો શું એકલી મટન માર્કેટ જ નજરે ચઢે છે? ગામ આખામાં ખાદ્યપદાર્થના અલગ અલગ ધંધાર્થીઓ છે તેમને પણ નોટીસ પાઠવો.
ધારાસભ્યને દારૂના અડ્ડા નથી દેખાતાં?
શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ માત્ર ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને આ નોટીસો અપાઈ હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્યને ખાલી મટન મચ્છીની દુકાનો દેખાય છે પરંતુ ગલી ગલીએ ધમધમતાં દારૂના અડ્ડા અને બિન્ધાસ્ત થતી ખનિજ ચોરી કેમ દેખાતી નથી? તેવા સવાલ પૂછ્યાં હતાં.
અંતે નોટીસો રદ્દ કરવા કરાયો હુકમ
શાબ્દિક માથાકૂટ વચ્ચે કામગીરી સાથે સંકળાયેલો એક કર્મચારી પણ વિપક્ષી નેતાઓના રોષનું કેન્દ્ર બન્યો હતો. સૌની હાજરીમાં સીઓએ તેનું પૂછાણું લેતાં સીઓની કોઈ જ મંજૂરી વગર આ નોટીસો ઈસ્યૂ કરાઈ હોવાનું સ્પષ્ટ થતાં સીઓએ પણ તે કર્મચારીને બધાની હાજરીમાં ઝાટકી નાખી ભવિષ્યમાં આવું કરતૂત આચરે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી આપીને રજૂઆતકર્તાઓને તમામ નોટીસો દફ્તરે કરવા ખાતરી આપી હતી. કોંગ્રેસી નગરસેવકો અનવર ખત્રી, જાવેદ પઠાણ, જિલ્લા કોંગ્રેસ મંત્રી ભરત પાતારીયા, કાનજી સોંધરા વગેરે પણ રજૂઆત કરવામાં જોડાયાં હતાં.
Share it on
|