કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના બારોઈ રોડ પર આવેલી સૂર્યનગર સોસાયટીમાં આજે પરોઢે છએક વાગ્યાના અરસામાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં પિતા અને માસૂમ પુત્રીના ગંભીર રીતે બળી જવાથી મૃત્યુ નીપજ્યાં છે. દીકરીની માતા પણ ગંભીર રીતે દાઝી ગઈ છે અને તેને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. મુંદરા પોલીસના સૂત્રોએ જણાવ્યું કે પરોઢે છના અરસામાં દુર્ઘટના ઘટી હતી. આગની જ્વાળાઓમાં ઘરમાં સૂતેલાં રવિકુમાર સોમેશ્વર રાવ (ઉ.વ. ૪૧) અને તેમની બે વર્ષની માસૂમ દીકરી જ્હાન્વી જીવતાં જ ભડથું થઈ ગયાં હતાં. રવિકુમારના પત્ની કવિતા ગંભીર રીતે દાઝી ગયાં છે અને તેમને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે.
ઘરની અંદરથી આગ લાગી બાદમાં બ્લાસ્ટ થયો
સૂત્રોના જણાવ્યા મુજબ ઘરની અંદરથી આગ લાગી હતી. આગે આખા ઘરને લપેટી લીધેલું અને પડોશીઓને જાણ થતાં તેઓ આગ બૂઝાવવા માટે દોડી ગયાં હતાં. આ સમયે ધડાકાનો પણ અવાજ થયો હતો. આ ધડાકો એર કન્ડિશનરનું કોમ્પ્રેસર ફાટવાથી થયો હોવાનું મનાય છે. આગનું કારણ શું તે અંગે પોલીસે અજાણતા દર્શાવી છે. કડકડતી ઠંડીમાં એસી ચાલું હોય તે બાબત ગળે ઉતરે તેવી નથી. ઘરના વાયરીંગમાં શોર્ટ સર્કિટથી પણ આગ લાગી હોઈ શકે છે. દુર્ઘટના અંગે તપાસ કરવા માટે પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબના નિષ્ણાતોને સ્થળ પર બોલાવ્યાં છે. એફએસએલની ગહન તપાસમાં જ દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ થશે.
Share it on
|