કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના નાના કપાયા ગામે ગટરના ખૂલ્લાં નાળામાંથી અંદાજે ૨૫ વર્ષની અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે ડેડ બૉડીને ફોરેન્સિક ઑટોપ્સી માટે જામનગર મેડિકલ કૉલેજ મોકલી આપી છે. પ્રાથમિક તબક્કે મહિલાને લુગડાથી ગળેટૂંપો આપી હત્યા કરીને લાશને નાળામાં ફેંકી દેવાઈ હોવાના અનુમાન વચ્ચે પોલીસે ચોમેર સઘન તપાસ શરૂ કરી છે. ગળામાં બે ગાંઠ વાળેલું કપડું જોવા મળ્યું
આજે બપોરે એક વાગ્યાના અરસામાં નાના કપાયામાં શુભમ્ પેટ્રોલ પંપ પાછળ આવેલી L & T કોલોની નજીક ચાંપશીભાઈ મહેશ્વરીના ઘર પાછળ વહેતા ગટરના નાળામાં અજાણી સ્ત્રીની ફૂલાઈ ગયેલી વિકૃત લાશ પડી હોવાની માહિતીના આધારે પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે મૃતક મહિલાએ સફેદ ગુલાબી રંગનો પંજાબી ડ્રેસ પહેરેલો હતો. મોઢાં પર કાળા રંગનો દુપટ્ટો વીંટાળેલો હતો અને ગળામાં બે ફૂટનું સફેદ મેલું કપડું કસીને બે ગાંઠ વાળેલી હાલતમાં જોવા મળ્યું હતું.મૃત મહિલાની જીભ બહાર નીકળી ગયેલી હાલતમાં હતી.
જ્યોતિ નામ હોવાની શક્યતા, ટેટૂથી ઓળખની આશા
મૃતક મહિલા શરીર પર છુંદણા ત્રોફાવવા (ટેટૂ)ની શોખિન હતી અને તેનું નામ જ્યોતિ હોય તેમ જણાય છે. પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.જે. ઠાકોરે જણાવ્યું કે જમણા હાથે કલાઈથી કોણી સુધીના વચ્ચેના ભાગમાં અંગ્રેજીથી ‘જ્યોતિ’ લખેલું છે અને બાજુમાં ફૂલ જેવી ડિઝાઈનનું છૂંદણું ત્રોફાવેલું છે.
ડાબા હાથે પંજા ઉપર હથેળીની બાજુમાં છુંદણાથી અંગ્રેજીમાં ‘કન્હૈયા’ નામ ત્રોફાવેલું છે.
કાંડાથી કોણી સુધીના વચ્ચેના ભાગમાં છુંદણાથી દિલ ત્રોફાવેલું છે જેમાં વચ્ચે અંગ્રેજીમાં ‘લવ’ લખેલું છે. બાજુમાં ઊડતાં પંખીની પાંખની ભાત ત્રોફાવેલી છે અને તેની બાજુમાં છુંદણાથી ‘એસ’ ત્રોફાવેલો છે તથા બાજુમાં હૃદયના ધબકારાના ગ્રાફની ડિઝાઈન દોરેલી છે.
મૃત મહિલાએ આંગળી પરની દિલ આકારની વીંટી પહેરેલી હતી જેના પર અંગ્રેજીમાં ‘કેજે’ લખેલું છે. કાંડા પર લાલ ધાગો તો જમણા પગમાં કાળો દોરો બાંધેલો છે.
પો.સ.ઈ. ઠાકોરે જણાવ્યું કે અમે વિવિધ પોલીસ સ્ટેશનોને કોઈ સ્ત્રીની ગૂમ નોંધ દાખલ થઈ છે કે કેમ તે અંગે જાણ કરી મૃત મહિલાના ફોટોગ્રાફ મોકલીને તેની ઓળખ નક્કી કરવાનું શરૂ કર્યું છે. હાલ એક્સિડેન્ટલ ડેથની નોંધ પાડી છે, પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.
Share it on
|