કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા ખાતે અદાણી ફાઉન્ડેશને ૧ હજારથી વધુ 'લખપતિ દીદી'નું સન્માન કરીને ૮ માર્ચે આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી ઉજવણી કરી છે. અદાણી ફાઉન્ડેશન મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે અથાક પ્રયાસ કરી રહ્યું છે. મહિલાઓને જરૂરી આધાર અને માર્ગદર્શન પૂરું પાડીને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગ સાહસિકતાની તકો પૂરી પાડવામાં આવે છે. મહિલાઓની સામાજિક આર્થિક સ્થિતિ તેમજ નાણાંકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે ફાઉન્ડેશન પ્રતિબધ્ધ છે.
આ પ્રસંગે લિંગ સમાનતાની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરીને ફાઉન્ડેશને અદાણી સોલારમાં કામ કરતી ૬૧૪થી વધુ મહિલાઓને પોંખી હતી. ફાઉન્ડેશને અદાણી સોલારમાં મહિલાઓને વિવિધ પ્રકાર નોકરીઓ પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ નોકરીઓમાં ટેકનિકલ, માનવ સંસાધન (HR), પ્રોડક્શન અને એન્જિનિયરિંગ જેવા વિવિધ પ્રકારની જૉબનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશને ૮૫૦થી વધુ મહિલાઓના કૌશલ્યમાં વધારો કરીને આત્મનિર્ભર બનવામાં પણ મદદ કરી છે.
ગ્રામીણ વિકાસ કમિશનર અને ગુજરાત સરકારના સચિવ મનીષા ચંદ્રા (IAS)એ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.
એક વીડિયો સંદેશમાં ચંદ્રાએ સમાવેશી કાર્યબળ બનાવવા પ્રત્યે ફાઉન્ડેશનની નેમને બિરદાવતા કહ્યું હતું કે "મહિલાઓ રૂઢિપ્રથાઓને તોડીને આર્થિક રીતે સ્વતંત્ર બને તે જોવું ખૂબ જ ગર્વની વાત છે. આવી પહેલ પાયાના સ્તરે મહિલાઓને ઉત્થાન આપે છે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે." મુંદરાની અદાણી પબ્લિક સ્કૂલના ડિરેક્ટર અમી શાહ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા દિવસના મહત્વ અંગે અદાણી ફાઉન્ડેશન, સીએસઆર વડા પંક્તિબેન શાહે લિંગ સમાનતાને આગળ વધારવામાં સમાજની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો.
તેમણે જણાવ્યું હતું કે "મહિલાઓને ખરેખર પ્રગતિ કરવા પરિવાર, સમુદાય અને કોર્પોરેટ ક્ષેત્રનો ટેકો જરૂરી છે. જ્યારે મહિલાઓને તેમના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવવા માટે સશક્ત બનાવવામાં આવે છે, ત્યારે તેઓ માત્ર તેમની કારકિર્દીમાં જ શ્રેષ્ઠતા મેળવતી નથી પરંતુ તેમના પરિવારો અને સમાજમાં પણ સકારાત્મક પરિવર્તન લાવે છે."
અદાણી સોલારમાં મહિલાઓ માટે ખાસ આયોજન
અદાણી ગૃપ રોજગાર અને સુરક્ષા દ્વારા સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. અદાણી સોલાર ખાતે મહિલાઓ માટે સલામતીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લોકર રૂમ, કેન્ટિન અને પિન્ક ટોઈલેટ્સ, સુરક્ષા કર્મચારીઓ સાથે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓનો સમાવેશ થાય છે. અદાણી સોલારના ટેકનિકલ એસોસિયેટ સોનલ ગઢવી રામે પોતાની સફરના સંસ્મરણોનું વર્ણન કરતા જણાવે છે કે "અદાણી સોલારમાં કામ કરવાથી મને મારા પેશનને અનુસરવાની તક મળી છે. આજે હું આત્મનિર્ભર છું અને મારા પરિવારને ટેકો આપું છું, તે મારા માટે એક સ્વપ્ન સાકાર થવા સમાન છે. પહેલાં દિકરીઓ માટે સલામત પરિવહનના અભાવે નોકરી માટે બહાર નીકળવું મુશ્કેલ હતું. પરંતુ હવે અદાણી સોલારની સુરક્ષા સહિતની વિશ્વસનીય સુવિધાઓ સાથે હું દરરોજ આત્મવિશ્વાસ સાથે કામ પર જાઉં છું. આ યાત્રા ખરેખર સશક્તિકરણ આપનારી રહી છે"
દેશમાં બે મિલિયનથી વધુ મહિલા પગભર બની
ઉલ્લેખનીય છે કે લગભગ ત્રણ દાયકાથી અદાણી ફાઉન્ડેશન તેના બટરફ્લાય ઇફેક્ટ ફ્રેમવર્કના ભાગરૂપે દેશભરમાં મહિલાઓ સશક્તિકરણ ક્ષેત્રે કાર્યરત છે. બાળપણથી લઈ વૃધ્ધાવસ્થા સુધી, મહિલાઓના જીવન દરમ્યાન ઉદભવતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ ફ્રેમવર્કને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સમર્પિત પહેલ થકી ફાઉન્ડેશન દેશભરમાં બે મિલિયનથી વધુ દિકરીઓ અને મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે.
Share it on
|