કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવી શહેરમાં શિતળા માતાના મંદિર નજીક વહેતી નદીના નાળા જેવા પટના ખાડામાં ડૂબી જતાં ૧૪ વર્ષની વયના બે પિતરાઈ ભાઈના મૃત્યુ નીપજ્યાં છે. બપોરે એકથી બેના અરસામાં બનાવ બન્યો હતો. માંડવી પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ મરણ જનાર હિરજી શિવજીભાઈ સોલંકી અને વિકેશ વિનયભાઈ સોલંકી (રહે. ન્યૂ મારવાડાવાસ, માંડવી) ભેંસો ચરાવવા ગયેલાં. ઢળતી બપોરે ભેંસો ઘરે પરત આવી ગઈ હતી પરંતુ બેઉ ભાઈનો કશો અતોપત્તો નહોતો. પરિવારજનોએ શોધખોળ શરૂ કરતાં રોયલ વિલા પાસે શિતળા માતાજીના મંદિર નજીક પાણીમાં તરતાં બેઉના મૃતદેહ નજરે પડ્યાં હતાં. પરિવારજનોએ માંડવી નગરપાલિકાના આગેવાનો અને હોદ્દેદારોની મદદથી બેઉના મૃતદેહને બહાર કઢાવ્યાં હતાં.
Share it on
|