કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીમાં બાઈક પર જોખમી રીતે સ્ટંટ કરીને ‘રોલા’ પાડવા તેની રીલ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરનાર બે યુવકો ગામની નજરે ચઢે કે ના ચઢે પણ પોલીસની નજરે જરૂર ચઢી ગયાં છે! માંડવી પોલીસે જોખમી રીતે સ્ટંટ કરનાર બંને યુવકો સામે ગુનો નોંધી બંનેની બાઈક ડીટેઈન કરવા સહિતની અન્ય આકરી કાર્યવાહી આદરી છે. ઈર્શાદ ઈકબાલ થૈમ નામના સલાયાના યુવકના ઈન્સ્ટાગ્રામની આઈડી પર બે મોટર સાયકલચાલક યુવકો જાહેર રોડ પર જોખમી રીતે સ્ટંટ કરતાં હોવાની રીલ પોસ્ટ થઈ છે.
બંને જણે માંડવીની દાદાની ડેરીથી ભુજ ઓક્ટ્રોય રોડ પર આ સ્ટંટ કર્યો હતો. વીડિયોમાં બેઉ જણ પૂરપાટ વેગે બાઈક હંકારતા હોવાનું અને એક જણો ચાલતી બાઈકે આડો થઈને સૂઈ જતો હોવાનું દેખાય છે.
બેઉ જણ બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે સ્ટંટબાજી કરીને પોતાની અને પારકાંની જિંદગી જોખમાય તે રીતે બાઈક હંકારી રહ્યા છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧ અને ૫૪ તથા મોટર વેહિકલ એક્ટની કલમ ૧૭૭ અને ૧૮૪ હેઠળ સરકાર તરફે ફરિયાદ દાખલ કરી છે.
Share it on
|