કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના મોટા લાયજામાં આવેલા શ્રી રુદ્રેશ્વર પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે કામ કરતો યુવક પંપ સંચાલકની આવકના ૭૧.૯૩ લાખ રૂપિયાની ઉચાપત કરીને ભેદી સંજોગોમાં લાપત્તા થઈ ગયો હોવાનો બનાવ બહાર આવ્યો છે. બનાવ અંગે પંપ સંચાલક મનહરસિંહ જાડેજા (રહે. નખત્રાણા)એ આરોપી મોહમ્મદ હબીબ આમદ ચૌહાણ (રહે. મોટા લાયજા) સામે ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું કે છેલ્લે ૧૦ માર્ચે બપોરે હબીબનો ફોન આવેલો. કંડલા આઈઓસીથી મગાવેલું ૧૨ હજાર લીટર બપોર બાદ આવશે તેમ હબીબે જણાવેલું. ત્યારબાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. પેટ્રોલ પંપના અન્ય સ્ટાફે હબીબ સવારે ૧૧ વાગ્યે માંડવી જાઉં છું કહીને પંપ પરથી નીકળી ગયો હોવાનું જણાવેલું.
સંચાલકને શંકા જતાં ચોપડાં ચેક કરતાં હબીબે ૭૧.૯૩ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. આઈઓસીમાં રહેલી એક કરોડની સીસી પર ક્રેડિટમાં પેટ્રોલ ડિઝલ મગાવ્યા હોવાનું પણ ખૂલ્યું છે.
બીજી તરફ, હબીબના પિતાએ ૧૧ માર્ચના રોજ હબીબ ભેદી સંજોગોમાં ૧૦ માર્ચથી લાપત્તા હોવાની ગૂમનોંધ લખાવતાં પોલીસ ચકરાવે ચઢી છે. માંડવી પીઆઈ ડી.એન. વસાવાએ તપાસ હાથ ધરી છે.
Share it on
|