કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવી તાલુકાના દરશડીથી વાંઢ તરફ જતાં માર્ગ પર બુકાનીધારી બાઈકસવાર બે યુવકોએ છરીની અણીએ ૪૬૦૦ રૂપિયાની લૂંટ કરી હોવાનો બનાવ ગઢશીશા પોલીસ મથકે દર્જ થયો છે. બે દિવસ અગાઉ ૮ સપ્ટેમ્બરની સવારે ૮ વાગ્યે દરશડી નજીક આવેલી નદીએ મંછામાના છેલા પાસે લૂંટનો બનાવ બન્યો હતો. ફરિયાદી ૩૪ વર્ષિય અબ્દુલ મજીદ ઈબ્રાહિમ હિંગોરા માંડવીના મોમાયમોરા ગામે રહે છે અને મદરેસામાં મોમાયમોરા તથા વાંઢના બાળકોને ભણાવે છે. બનાવના દિવસે અબ્દુલ બાઈકથી વાંઢ તરફ મદરેસા પર જતો હતો ત્યારે વાંઢ તરફથી એક બાઈક પર આવી રહેલાં બે યુવકે તેને થોભાવ્યો હતો. બેઉના મોઢાં પર સફેદ રંગના રુમાલની બુકાની બાંધેલી હતી. એક જણે તેનું ગળું પકડીને ચાકું બતાવીને મોબાઈલ ફોન પડાવી લીધો હતો. ફોનમાં રહેલું સીમકાર્ડ કાઢી બાવળની ઝાડીમાં ફેંકી દઈ તેને ફોન પરત આપી દીધો હતો. ત્યારબાદ તું ક્યાંનો છે તેમ પૂછી આધારકાર્ડ બતાડવા કહેલું.
અબ્દુલે પર્સમાં રાખેલું આધારકાર્ડ બતાડવા પર્સ કાઢતાં જ બેઉ જણે તેમાં રહેલાં ૪૬૦૦ રોકડાં રૂપિયા પડાવી લીધા હતાં.
રૂપિયા પડાવીને બેઉ જણ ફરી આ બાજુ આવતો નહીં તેવી ધમકી આપીને દરશડી તરફ નાસી છૂટ્યાં હતાં. ઘટના બાદ અબ્દુલ ખૂબ ડરી ગયેલો. આગેવાનોની સલાહ બાદ ગત રાત્રે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો.
Share it on
|