કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવી તાલુકાના ગોધરા ગામે આજે પરોઢે સાડા પાંચના અરસામાં નોકરીએ જતી યુવતીની ગુપ્તી અને તલવારના ઘા મારી ઘાતકી હત્યા કરાવાના ગુનાનો ગણતરીના કલાકોમાં પોલીસે ભેદ ઉકેલી દીધો છે. હત્યારો બીજો કોઈ નહીં પરંતુ યુવતીનો પ્રેમી સાગર રામજી સંઘાર (ઉ.વ. ૨૬, રહે. હાલ કોડાય, મૂળ રહે. બીદડા) હોવાનું સ્પષ્ટ થયું છે. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ. ઝાલાએ જણાવ્યું કે મરણ જનાર ૩૨ વર્ષિય ગવરી તુલસીદાસ ગરવા નિત્યક્રમ મુજબ પરોઢે સાડા પાંચના અરસામાં ઘરેથી પગપાળા બસ સ્ટેન્ડ જવા નીકળી હતી. ગવરી તુંબડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારીત જગ્યા પર નોકરી કરતી હતી. ગવરી ઘરથી માંડ સો મીટર દૂર પહોંચી હતી ત્યારે સાગરે તેની ઘાતકી હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ ઝેરી દવા પી સાગર હોસ્પિટલભેગો થયો
હત્યા બાદ સાગર પણ ઝેરી દવા પી લઈને માંડવીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયો હતો. જો કે, તેની તબિયત ભયમુક્ત છે. પોલીસે હોસ્પિટલે ધસી જઈ રાઉન્ડ અપ કરીને પૂછપરછ કરતાં તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો છે.
સાગરે જણાવ્યું કે ગવરીને તે ખૂબ પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો.
જો કે, થોડાંક સમયથી ગવરીએ તેની સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું અને અન્ય યુવકો સાથે પણ મિત્રતા કેળવી હોવાનું તેના ધ્યાને આવ્યું હતું. જેથી ઉશ્કેરાઈને તેણે ગવરીને પતાવી દેવાનું નક્કી કર્યું હતું. સાગર હજુ હોસ્પિટલમાં મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ હોઈ પોલીસે તેની વિધિવત્ ધરપકડ કરી નથી. ગુનાની તપાસમાં માંડવી અને કોડાય પોલીસ સ્ટેશન ઉપરાંત એલસીબી, એસઓજી, પેરોલ ફર્લૉ સ્ક્વૉડ, ડૉગ સ્ક્વૉડ વગેરે જોડાયાં હતાં.
Share it on
|