કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના મોટા લાયજા ગામે આવેલા પેટ્રોલ પંપના ૭૧.૯૩ લાખ રોકડાં તથા ૧ કરોડની રૂપિયાની ક્રેડિટ વાપરી ખાવાના ગુનામાં પંપના મેનેજર સાથે પંપનું સંચાલન કરતાં ફરિયાદીના સાળાની પણ સંડોવણી સ્પષ્ટ થઈ છે. આજે ફર્ધર રીમાન્ડ સાથે પોલીસે બેઉ આરોપીને કૉર્ટમાં રજૂ કરેલાં પરંતુ કૉર્ટે રીમાન્ડ મંજૂર ના કરીને બેઉને જ્યુ. કસ્ટડીમાં મોકલી આપ્યાં છે. નખત્રાણાના મણિનગરમાં રહેતા મૂળ અબડાસાના વિંઝાણ ગામના વતની ૪૯ વર્ષિય મનહરસિંહ વનરાજસિંહ જાડેજાએ ૧૩ માર્ચે માંડવી પોલીસ મથકે લાયજા નજીક ભાગીદારમાં ચાલતાં પેટ્રોલ પંપ પર કામ કરતાં મેનેજર મહમદ હબીબ આમદ ચૌહાણ સામે છેતરપિંડી ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ૧૦ માર્ચથી હબીબ ભેદી સંજોગોમાં લાપત્તા થઈ ગયેલો. બીજા દિવસે તેના પિતાએ માંડવી પોલીસ મથકે પુત્ર ગૂમ હોવાની નોંધ લખાવેલી.
ફરિયાદીએ હિસાબો ચેક કરતાં હબીબે ૧ કરોડની સીસી વાપરી ખાવા ઉપરાંત ૭૧.૯૩ લાખ રોકડાં રૂપિયા હજમ કર્યા હોવાનું સ્પષ્ટ થતાં મનહરસિંહે હબીબ સામે ફરિયાદ નોંધાવી હતી.
હબીબ મુંબઈ હોવાની બાતમી મળતાં ત્રીજા દિવસે લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેને મુંબઈથી ભુજ પકડી લાવેલી અને માંડવી પોલીસ મથકે સુપ્રત કરી દીધો હતો.
ઠગાઈમાં ફરિયાદીનો સાળો પાણ સામેલ હોવાનો ઘટસ્ફોટ
હબીબની પૂછપરછમાં તેણે પોતાને બલિનો બકરો બનાવાઈ રહ્યો હોવાનું જણાવીને બધા રૂપિયા ફરિયાદી મનહરસિંહનો સાળો અશ્વિનસિંહ લગધીરસિંહ ગોહિલ (રહે. મૂળ ભાવનગર, હાલ રહે. મોટા લાયજા) ખાઈ ગયો હોવાનો ઘટસ્ફોટ કરેલો. પોલીસે ગહન તપાસ કરીને અશ્વિનની પણ ધરપકડ કરી હતી.
બેઉ જણ એકમેક પર દોષારોપણ કરે છે
માંડવી પીઆઈ ચેતક બારોટે જણાવ્યું કે બેઉ જણના મોબાઈલ પર બેન્ક ખાતાંના ટ્રાન્ઝેક્શન માટેના ઓટીપી આવતાં હતાં, બેઉ જણે મનફાવે તેમ રૂપિયા વાપર્યા હોવાનું સ્પષ્ટ થયું છે. પકડાયાં બાદ બેઉ એકમેક પર દોષારોપણ કરી રહ્યાં છે. બંનેની ગહન પૂછપરછ સાથે પોલીસ બેન્કમાં થયેલી આર્થિક લેવડદેવડના વ્યવહારો પણ તપાસી રહી છે. આ રૂપિયામાંથી તેમણે કોઈ સંપત્તિ વસાવી છે કે કેમ તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.
Share it on
|