કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવી અને ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ગૌવંશની કતલ કરવા અંગે નોંધાયેલા બે જુદાં જુદાં ગુનાના ૮ આરોપીને દોષી ઠેરવી માંડવીની નીચલી કૉર્ટે બે-બે વર્ષની કેદ અને પ્રત્યેકને સાડા ૭ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૨૭-૦૧-૨૦૧૪ના રોજ ગઢશીશા પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોટી સાંભરાઈ ગામના સીમાડે ગૌવંશની કતલ કરીને પ્લાસ્ટિકના બે કોથળામાં અંદાજે ૨૦ કિલો જેટલું માંસ લઈને છકડામાં નીકળેલાં ત્રણ શખ્સોને વન ખાતાના બીટગાર્ડે પકડેલાં. આ ગુનામાં માંડવીના જ્યુ. મેજિસ્ટ્રેટ કેતનકુમાર ડાભીએ આદમ ઈબ્રાહિમ દરાડ, કાસમ ઈબ્રાહિમ દરાડ અને કાસમ ઈસ્માઈલ સોઢા (રહે. ત્રણે મોટી સાંભરાઈ, માંડવી) નામના ત્રણ જણને પશુ સંરક્ષણ ધારાની કલમ ૫, ૬ (ખ) (૧) (૨) (૩) અને ૮ હેઠળ દોષી ઠેરવી બે-બે વર્ષની સાદી કેદ સાથે દરેકને સાડા સાત હજારનો દંડ ફટકાર્યો છે.
જામથડા ગૌવંશ કતલ કેસમાં પાંચને સજા
૩૦-૦૭-૨૦૨૩ની રાત્રે માંડવીના જૂના જામથડા ગામની પ્રાથમિક શાળા પાસે પોતાના વાડામાં માંસનું વેચાણ કરવાના હેતુથી વાછરડાની કતલ કરવાનો પાંચ આરોપી સામે માંડવી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં માંડવીના જ્યુ. મેજિસ્ટ્રેટ કેતનકુમાર ડાભીએ વાડામાલિક ઈબ્રાહિમ કારો અલીમામદ સમેજા, અમીન સિધિક સમેજા અને તેના ભાઈ અબ્દુલ સિધિક સમેજા (બંને રહે, લુડવા), રજાક સાલેમામદ મથડા (લુડવા) અને કાસમ નુરમામદ માંજોઠી (રહે. વેકરા રામપર)ને પશુ સંરક્ષણ ધારાની કલમો હેઠળ દોષી ઠેરવી બે-બે વર્ષની સાદી કેદ સાથે દરેકને સાડા સાત હજારનો દંડ ફટકાર્યો છે.
Share it on
|