કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના બિદડા ગામે રવિવારે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરનારી પરિણીતાના પતિ વિરુધ્ધ સાળાએ બહેનને મરવા મજબૂર કર્યાની કોડાય પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. બિદડા રહેતી ૩૫ વર્ષિય દમયંતિબેન દિનેશ દનિચાએ કાલે બપોરે આપઘાત કર્યો હતો. માંડવીના તલવાણા ગામે રહેતા મૃતક દમયંતિના મોટા ભાઈ રમેશ હિરજી મહેશ્વરીએ છેલ્લાં ૪ વર્ષથી પતિ દિનેશની મારઝૂડથી ત્રાસીને બહેને આપઘાત કર્યાનું લખાવ્યું છે. દમયંતિ અને દિનેશના ૧૪ વર્ષ અગાઉ લગ્ન થયેલાં. જો કે, છેલ્લાં ચાર વર્ષથી દિનેશ ‘તું મને ગમતી નથી’ કહી ઘરની નાની નાની બાબતે દમયંતિને ટોણાં મારીને મારકૂટ કરતો રહેતો હતો. પ્રસંગોપાત દમયંતિ પિયર આવે કે તેના ઘેર પિયરીયા મળવા જાય ત્યારે સતત પતિની મારઝૂડની ફરિયાદ કરતી રહેતી હતી. પિયરીયાએ દિનેશના સગાં વહાલાંઓ જોડે બેઠક કરીને આ મામલે ફરિયાદ કરેલી પરંતુ દિનેશ સુધરતો નહોતો.
Share it on
|