કચ્છખબરડૉટકોમ, માંડવીઃ પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ દ્વારા કચ્છના સાગરકાંઠે લેન્ડ કરાતાં કરોડોની કિંમતના ડ્રગ્ઝના આરોપી એવા માંડવીના શાહિદ કાસમ સુમરાના પરિવારજનો દ્વારા કેસના ત્રણ સાક્ષીઓને ફોડવા યેનકેન રીતે દબાણ કરાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે કેસના મહત્વના સાક્ષીએ શાહિદની માતા અને તેના ભાઈ સામે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. છેલ્લાં દસ દિવસથી શરૂ થયાં પ્રયાસો
માંડવીના વાઘેર ફળિયામાં રહેતા જુનસ ઊર્ફે ઈકલાબ મંઢાએ પોલીસને જણાવ્યું કે ૨૦૧૮માં ગુજરાત એટીએસએ નોંધેલાં ડ્રગ્ઝ કેસમાં પોતે તેમજ માંડવીના મોટા સલાયામાં રહેતો તૈયબ ઊર્ફે તેલંગ મંધરા અને મુંદરાના નવીનાળ રહેતા ઝાકીરભાઈ વાઘેર ફરિયાદ પક્ષે સાક્ષી છે. જે-તે સમયે એટીએસએ ત્રણેયની જ્યુ. મેજિસ્ટ્રેટ સમક્ષ જુબાની લેવડાવી હતી. આ કેસમાં સાક્ષી તરીકે ફરી જવા માટે છેલ્લાં દસેક દિવસથી શાહિદ સુમરાના પરિવાર દ્વારા દબાણ શરૂ કરાયું છે.
થોડાંક દિવસ અગાઉ શાહિદની માતાએ અલ્તાફ આમદ આગરીયા નામના યુવકને તેના ઘેર મળવા મોકલ્યો હતો. અલ્તાફે શાહિદની માતાનું નામ આપીને જુબાનીમાં ફરી જવા મૌખિક વિનંતી સૂચના આપેલી.
જુનસે આ કેસના લીધે પોતાની બોટ જપ્ત થઈ હોવાનું, સગાઈ તૂટી ગઈ હોવાનું અને સમાજમાં બદનામ થયો હોવાનું જણાવીને જુબાનીમાંથી ફરી જવા ઈન્કાર કર્યો હતો. અલ્તાફે જુનસને શાહિદની માતા અને વકીલ જોડે ફોન પર વાત કરવા આગ્રહ કર્યો હતો પરંતુ તેણે વાત કરી નહોતી.
થોડાંક દિવસો બાદ તેને અજાણ્યા નંબરથી ફોન આવેલો અને તેને મળવા માટે માંડવીના નવા પુલ પર બોલાવેલો. તે પહોંચ્યો ત્યારે એક કારમાં ચાર શખ્સો તેને મળવા આવ્યાં હતાં. જે પૈકી ગુલામ હુસેન મૌલાનાને તે ઓળખતો હતો.
આ શખ્સોએ તે સમયે વકીલ જોડે સ્પીકર પર ફોન કરતાં સામે રહેલી વ્યક્તિએ એવી સૂચના આપેલી કે કૉર્ટમાં એટલું જ કહેજે કે હું શાહિદને ઓળખતો નથી. ત્યારબાદ તે જ દિવસે રાત્રે ત્રણ અજાણ્યા શખ્સો કાર લઈને તેના ઘેર તેને મળવા આવેલાં પરંતુ ડર લાગતાં તે મળ્યો નહોતો.
આ કેસના અન્ય એક સાક્ષી ઝાકીર બાબુભાઈ વાઘેરને પણ ગુલામ હુસેન મૌલાનાએ ફોન કરી મળવાની ઈચ્છા જણાવેલી. જો કે, તે મળવા ગયો નહોતો.
થોડાંક દિવસો બાદ મૌલાનાએ ફરિયાદીને શાહિદના ભાઈ ફૈઝ કાસમ સુમરા જોડે વોટસએપ પર વાત કરવા જણાવેલું. આમ, શાહિદની માતા અને ભાઈ જુબાનીમાંથી ફરી જવા દબાણ કરતાં હોવાનું જણાવતાં માંડવી મરીન પોલીસે બીએનએસ કલમ ૨૩૨ (૧) અને ૫૪ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કરોડોના હેરોઈન પ્રકરણમાં શાહિદની છે સંડોવણી
ફેબ્રુઆરી ૨૦૨૦માં પંજાબના ભટીંડા ખાતે પંજાબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક ટ્રકમાંથી ૧ હજાર કરોડના મૂલ્યનું ૧૮૮ કિલોગ્રામ હેરોઈન જપ્ત કરેલું. તપાસમાં બહાર આવ્યું હતું કે આ ટ્રક ગાંધીધામથી આવી હતી. પંજાબ પોલીસના ઈનપુટના પગલે એટીએસએ માંડવીના રફીક આદમ સુમરા, ગાંધીધામના કરીમ સીરાઝ અને કિડાણાના સુનીલ બારમાસે નામના ત્રણ શખ્સની ધરપકડ કરેલી. તપાસમાં બહાર આવ્યું હતું કે, એટીએસએ એપ્રિલ ૨૦૧૮માં દ્વારકાના અબ્દુલ ભગાડ નામના માછીમાર પાસેથી જે પાંચ કિલોગ્રામ હેરોઈન પકડેલું તે હેરોઈન તો બહુ નાની માત્રામાં હતું.
હકીકતમાં માંડવીના અર્શદ અબ્દુલ રઝાક સોતા ઊર્ફે રાજુ દુબઈએ પાકિસ્તાનના ડ્રગ માફિયા નબીબક્ષ મારફતે પાકિસ્તાનના હાજીસાબ ઊર્ફે ભાઈજાન સાથે ફોન પર વાતચીત કરી એપ્રિલ ૨૦૧૮માં અબ્દુલ ભગાડની બોટ મારફતે અલગ અલગ સમયે ૫૦૦ કિલોગ્રામ હેરોઈન અબડાસાના છછી કાંઠે લેન્ડ કરાવ્યું હતું.
આ હેરોઈન માંડવી રહેતા રફીક આદમ સુમરા અને શાહિદ સુમરાને પહોંચતું કરાયું હતું. આ જથ્થો રફીક સુમરાના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઊંઝાથી જતી જીરુની ટ્રકોની આડમાં હેરોઈનને ઉત્તર ભારત અને પંજાબ સુધી પહોંચાડાયો હતો.
એટીએસએ તે સમયે નેટવર્કના સૂત્રધાર રાજુ દુબઈની નેપાળથી ધરપકડ કરી હતી. પરંતુ શાહિદ સુમરા દુબઈ નાસી ગયો હોઈ હાથ લાગ્યો નહોતો.
તપાસમાં બહાર આવ્યું હતું કે શાહિદે સરહદ પારના ડ્રગ્સ માફિયાઓ સાથે મળીને કચ્છમાં ડ્રગ્સના લેન્ડિંગ અને સપ્લાયમાં સ્થાનિક નેટવર્ક ઊભું કર્યું હતું.
જૂલાઈ ૨૦૨૧માં દિલ્હી એરપોર્ટથી પકડાયેલો
૧૫-૦૪-૨૦૨૧ના રોજ એટીએસ સહિતની એજન્સીઓએ જખૌ નજીક દરિયામાં ઓપરેશન હાથ ધરીને એક પાકિસ્તાની બોટમાંથી ૮ પાકિસ્તાની ડ્રગ્સ કેરિયર સાથે ૩૦૦ કરોડના મૂલ્યનું ૩૦ કિલોગ્રામ હેરોઈન જપ્ત કરેલું. આ ડ્રગ્ઝ કરાચીથી લોડ કરાયું હતું અને તેની ડિલિવરી શાહિદ સુમરાને આપવાની હતી તે વિગતો તપાસમાં ખૂલી હતી. શાહિદ આ ડ્રગ્ઝ પંજાબના ત્રણ શખ્સો મનજીતસિંઘ બુટાસિંઘ, રેશમસિંઘ અને પુનિત કજાલા મારફતે પંજાબમાં સપ્લાય કરવાનો હતો તે બાબતનો પણ ઘટસ્ફોટ થયો હતો. તેના થોડાંક માસ બાદ જૂલાઈ ૨૦૨૧માં એટીએસએ દુબઈથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયેલા શાહિદની ધરપકડ કરેલી.
Share it on
|