કચ્છખબરડૉટકોમ, ગઢશીશાઃ માંડવી તાલુકાના વેકરા (રામપર) ગામથી ધુણઈ ગામ તરફ જતાં રસ્તા પર બાવળની ઝાડીમાંથી મૃત હાલતમાં મળેલાં કોલી યુવકની લુંગી વડે ગળેટૂંપો આપી હત્યા કરી દેવાઈ હોવાનો પોસ્ટમોર્ટમમાં ઘટસ્ફોટ થયો છે. ગઢશીશા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હમીર શનિવારથી અચાનક ભેદી રીતે ગાયબ થઈ ગયેલો
શનિવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં હમીર મુસાભાઈ કોલી (ઉ.વ. અંદાજે ૪૫)ની ઝાડીમાંથી લાશ મળી આવી હતી. હમીર છેલ્લાં એક વર્ષથી નખત્રાણાના વડવા (કાંયા) ગામે મોહન બુચિયાની વાડીએ રહીને ખેતમજૂરી કરતો હતો. વાસી ઉત્તરાયણના દિવસે તેના ગામ વેકરા (રામપર) આવ્યો હતો.
મોટાભાઈ સિધિકના ઘેર રોકાયો હતો. શુક્રવારે સવારે ૧૧ વાગ્યા પછી કોઈને કશી જાણ કર્યાં વગર તે ગાયબ થઈ ગયો હતો.
હમીર વડવાની વાડીએ પાછો જતો રહ્યો હશે તેમ માનીને મોટા ભાઈએ તેની કશી શોધખોળ કરી નહોતી. બીજા દિવસે બપોરે પડોશીએ હમીરની લાશ બાવળની ઝાડીમાં પડી હોવાની જાણ કરી હતી.
લુંગી વડે ગળેટૂંપો આપી હત્યા કરી દેવાઈ
બનાવની તપાસ કરી રહેલા ગઢશીશા ઈન્ચાર્જ પીઆઈ એચ.એમ. ગોહિલે જણાવ્યું કે મૃતકના ગળે લાલ લુંગીની બે આંટી વીંટળાયેલી હતી અને લાશ નીચે જમીન પર ચતી હાલતમાં પડી હતી. પહેલી જ નજરે બનાવ હત્યા હોવાનું અનુમાન થયેલું જે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સાચું ઠર્યું છે. મરણ જનાર હમીર દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને છેલ્લાં આઠ વર્ષથી તેની પત્નીથી અલગ રહે છે. મૃતક પાસે રહેલી કોઈ ચીજવસ્તુ ચોરાઈ કે લૂંટાઈ નથી. પોલીસ વિવિધ એંગલ પર તપાસ કરીને હત્યારાને આઈડેન્ટીફાય કરી દબોચી લેવા કેટલાંક શકમંદોની પૂછપરછ કરી રહી છે.
Share it on
|