કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના પુનડી ગામના સતર્ક ગ્રામજનોએ પોલીસની મદદથી રાત્રિના સમયે સીમાડે બંદુકના ભડાકે વન્યજીવોનો શિકાર કરતી ત્રિપુટીને ઝડપી પાડી છે. લાંબા સમયથી ચાલી રહેલી શિકારની પ્રવૃત્તિથી વાકેફ ગામના જાગૃત યુવાનો આ શિકારીઓને પકડવા અવારનવાર પ્રયાસો કરતાં હતા પરંતુ તેઓ છટકી જતા હતાં. ગત રાત્રે શિકારીઓ બોલેરો કેમ્પરમાં આવ્યાં હોવાની ખબર પડતાં જ પોલીસને જાણ કરીને સરપંચ સહિત ગામના ૩૦થી ૩૫ યુવાનોએ ઘેરો ઘાલીને શિકારીઓને કાર સાથે ઝડપી પાડ્યાં હતાં. સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે પાંચ જણાં હતા પરંતુ બે જણાં નાસી ગયાં હતા જ્યારે ત્રણ જણ ઝડપાઈ ગયાં હતાં.
બે જણ નાસી ગયાનો દાવોઃ FIR આ વિગત જ નથી!
કોડાય પોલીસે ઝડપાયેલી ત્રિપુટી પાસેથી એક નાળવાળી દેશી બંદુક તથા વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવા વિવિધ રંગના ૨૬ જીવતાં કારતૂસ સાથે બોલેરો જીપ, બે મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ તરીકે કબજે કર્યાં છે. પકડાયેલી ત્રિપુટીમાં જીપચાલક અકરમ અઝીમ થેબા (૩૩, રહે. કેમ્પ એરીયા, ભુજ), સુલેમાન ઉમરશા શેખ (૨૫, બાપા દયાળુનગર, રેલવે સ્ટેશન સામે, ભુજ મૂળ રહે. કનૈયાબે) અને સાહિલ મીઠુ સના (૧૯, રહે. આશાપુરાનગર, ભુજ)નો સમાવેશ થાય છે. પોલીસે ત્રણે સામે સરકાર તરફે આર્મ્સ એક્ટ તળે ગુનો નોંધ્યો છે.
ગ્રામજનોના બયાનથી તદ્દન વિપરીત પોલીસે એફઆઈઆરમાં શિકારની બાબત અંગે કશો જ ઉલ્લેખ કે અંદેશો દર્શાવ્યો નથી.
એટલું જ નહીં, બાતમીના આધારે રસ્તા પર વૉચ ગોઠવીને આરોપીઓને ઝડપ્યાં હોવાનો તથા તેમને અટકવા ઈશારો કરવા છતાં ગાડી ના રોકતાં પીછો કરીને ગાડી આંતરીને તથા ગાડી થોભાવીને નાસી રહેલાં ત્રણ જણને પકડ્યાં હોવાનું એફઆઈઆરમાં જણાવ્યું છે, નાસી જનારાં બે શખ્સ વિશે કશો ઉલ્લેખ જ નથી. એક જણ પાસે છરી હતી તે અંગે પણ કશી વિગત નથી.
Share it on
|