કચ્છખબરડૉટકોમ, માંડવીઃ પરિવારની મરજી વિરુધ્ધ પુત્રી લગ્નના હેતુથી ગામના યુવક જોડે ભાગી જતાં તેનો આક્રોશ પરિવારની ત્રણ મહિલાએ યુવકના વયોવૃધ્ધ પિતા પર ઉતાર્યો છે. માંડવીના બિદડા ગામની ત્રણ મહિલાએ ધોકા વડે યુવકના પિતા પર સરાજાહેર હુમલો કરી ઢોર માર માર્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે.
બિદડા ગામે રહેતો રાજેશ ઊર્ફે બૉબી લધાભાઈ સંઘાર અને ગામમાં રહેતી તેના સમાજની યુવતી બેઉ જણ જાન્યુઆરી માસથી પ્રેમલગ્નના હેતુથી નાસી ગયાં છે.
દીકરી ભાગી જતાં રોષે ભરાયેલી યુવતીની માતા સહિત પરિવારની ત્રણ મહિલાઓએ ૨૭-૦૩-૨૦૨૪ની સાંજે પોણા સાત વાગ્યે બિદડાના જૂના બસ સ્ટેન્ડ નજીક પાનના ગલ્લે બાંકડા પર બેઠેલાં રાજેશના ૭૫ વર્ષિય વૃધ્ધ પિતા લધાભાઈને ‘જાનથી મારી નાખવો છે’ કહી ધોકાથી ઢોર માર માર્યો હતો. બે મહિલા હાથમાં ધોકા હતા અને ત્રણે મહિલાએ લધાભાઈને ઘેરીને, નીચે પાડી દઈ ઢોર માર માર્યો હતો.
ગુસ્સામાં અંધ બનેલી મહિલાઓએ લધાભાઈનું પેન્ટ પણ કાઢી નાખ્યું હતું.
ઘટના અંગે જાણ થતાં લધાભાઈના અન્ય બે પુત્રો સ્થળ પર દોડી આવ્યાં હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત પિતાને સૌપ્રથમ માંડવીની સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી તેમને રીફર કરાતાં જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યાં હતાં.
કારમાં મહિલાઓને લઈ આવનાર યુવકની પણ કરાઈ અટક
બનાવ અંગે કોડાય પોલીસે લધાભાઈના સૌથી મોટા પુત્ર દિનેશે આપેલી ફરિયાદના આધારે હુમલો કરનાર રાજબાઈ વીરમભાઈ સાકરીયા, જાનબાઈ બુધિયા અને સોનબાઈ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૭ (૨), ૧૧૫ (૨), ૩૫૧ (૨), ૩૫૨ અને ૫૪ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદી દિનેશે જણાવ્યું કે હૃદયરોગ સહિતની બીમારીથી પીડાતાં મારા પિતાને મારી નાખવા માટે સુનિયોજીત કાવતરું ઘડાયેલું અને સામેના પરિવારના બે પુરુષો આ મહિલાઓને બ્લ્યૂ રંગની કારમાં લઈને ત્યાં આવ્યાં હતાં. હુમલામાં મારા પિતાના બંને હાથ અને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયાં છે.
મહિલાઓએ જ્યારે પિતા પર હુમલો કર્યો ત્યારે બેઉ જણ ખૂલ્લી તલવારો સાથે ત્યાંથી ત્રણસો મીટર દૂર ઊભાં રહેલાં. જેથી માર ખાતાં પિતાને છોડાવવા માટે કોઈની હિંમત ચાલી નહોતી.
પરંતુ, પોલીસે કાવતરું ઘડીને હત્યાનો પ્રયાસ કરવા જેવી ગંભીર કલમો લગાડી નથી તથા મહિલાઓને કારમાં લઈ આવનાર બેઉ પુરુષો સામે પણ ગુનો નોંધ્યો નથી.
ગુનાની તપાસ કરી રહેલાં હેડ કોન્સ્ટેબલ એચ.કે. પટેલે જણાવ્યું કે જે બે પુરુષોના નામ અપાયાં છે તેઓ સ્થળ પર હાજર નહોતાં.
ત્રણેને કારમાં લઈને રાજબાઈનો ભત્રીજો વિશાલ આવ્યો હોવાનું તપાસમાં ખૂલતાં અમે તેને આરોપી બનાવ્યો છે. ચારે આરોપીની અટક કરી લેવાઈ છે અને તપાસ હજુ ચાલું છે.
રાજેશ સામે અગાઉ બોગસ લગ્ન પ્રમાણપત્રની ફરિયાદ થયેલી
ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસ ચોપડે બીજી ફરિયાદ નોંધાઈ છે. આ અગાઉ યુવતી સાથે ભાગનારા રાજેશે નખત્રાણાના દેશલપર (ગુંતલી)ના મંદિરમાં લગ્ન કરીને, વેરાવળ ભણતાં કોકલિયાના કિશોરને ગોર મહારાજ બતાવીને પંચાયતમાંથી નકલી મેરેજ સર્ટીફિકેટ કઢાવ્યું હોવાની કિશોરના પિતાએ નખત્રાણા પોલીસ મથકે ૬ માર્ચે ફરિયાદ નોંધાવી હતી.
Share it on
|