કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવી તાલુકાના ગોધરા ગામે આજે વહેલી પરોઢે સાડા પાંચથી પોણા છના અરસામાં ૨૮ વર્ષિય યુવતીની ગુપ્તી અને તલવારના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાતાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવતીના ભાઈએ અજાણ્યા શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, પોલીસના વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યુવતીની હત્યા તેના પુરુષ મિત્રએ કરી હોવાની શક્યતા છે, તેને દબોચી લઈ પોલીસ ગહન પૂછપરછ કરી રહી છે.
મરણ જનાર ગૌરી તુલસીભાઈ ગરવા અપરિણીત હતી અને છેલ્લાં બે વર્ષથી તુંબડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટ બેઝ જગ્યા પર નોકરી કરતી હતી. રોજ સવારે સાડા પાંચ વાગ્યે તે ઘરેથી પગપાળા નીકળીને છ વાગ્યે અંબેધામથી ભચાઉ જતી બસમાં અપડાઉન કરતી. સાંજે ચાર વાગ્યે ઘરે પરત ફરતી. આજે સવારે નિત્યક્રમ મુજબ ગૌરી ઘરેથી નોકરી જવા રવાના થઈ તેના અડધો કલાક બાદ ગામના બે રીક્ષાચાલકોએ ગૌરીના ઘેર જઈ તેના પરિવારને બનાવ અંગે જાણ કરી હતી.
ઘર નજીક ઘાતકી હત્યા કરી દેવાઈ
ગૌરીના ઘરથી માંડ સો મીટર દૂર દુર્ગાપુર જવાના રોડ પર રવજી હુસેન કોલીના ઘર બહાર ગૌરીનો મૃતદેહ પડ્યો હતો. ગૌરીના પેટમાં ઝનૂનપૂર્વક ગુપ્તી ખોંસી દેવાયેલી હતી જેનો હાથો ઉપર તરફ દેખાતો હતો. માથા પાસે તલવાર પડી હતી. માથા અને પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારેલાં જોવા મળ્યાં હતાં. ગૌરીના મૃતદેહને જોઈને માતા અને બે ભાઈઓ સ્તબ્ધ થઈ ગયાં હતાં.
ગૌરીના બૉયફ્રેન્ડે હત્યા કર્યાની દ્રઢ શક્યતા
ઘટના અંગે મોટા ભાઈ દીપક ગરવાએ ગૌરીની હત્યા કોણે કરી હોય તે અંગે સંપૂર્ણ અજાણતા દર્શાવીને અજાણ્યા શખ્સ સામે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. દરમિયાન, એક બાઈકચાલક યુવકે ગૌરીની હત્યા કરી હોવાની માહિતીના પગલે પોલીસે વિવિધ ટીમો બનાવીને હત્યારાને શોધવા મહેનત શરૂ કરી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગૌરીની હત્યા નજીકના ગામમાં રહેતા તેના બૉયફ્રેન્ડે કરી હોવાની શક્યતા છે, તેને દબોચી લઈને પોલીસે સઘન પૂછતાછ હાથ ધરી છે. ઈન્ચાર્જ પીઆઈ ડી.એમ. ઝાલા અને તેમની ટીમ તપાસ કરી રહી છે.
Share it on
|