કચ્છખબરડૉટકોમ, દયાપરઃ પશ્ચિમ કચ્છમાં પવનચક્કી કંપનીઓ બેફામ રીતે આતંક મચાવી રહી હોવાનો વધુ એક ગંભીર મામલો પોલીસ ફરિયાદરૂપે બહાર આવ્યો છે. લખપતના નાની વિરાણીમાં બે કંપનીઓએ ખાનગી માલિકીના ખેતરમાં ઘૂસી જઈને જમીનના શેઢા, પાળા, બોર વગેરે તોડી નાખી એક કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. મૂળ નાની વિરાણીના વતની અને ગાંધીનગરમાં સ્થાયી થયેલાં બિપીન પટેલે દયાપર પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું કે નાની વિરાણીના સર્વે નંબર 100માં તેમની માલિકીનું ખેતર છે. તેની દેખભાળ ઘડુલીના દિપક પટેલ કરે છે. ગત 24 જૂનનાં રોજ સાયટેક અને ઓપેરા કંપનીના માણસોએ તેમના ખેતરમાં સંખ્યાબંધ ક્રેઈન, જેસીબી, ટ્રેલરો વડે પ્રવેશ કરી આખું ખેતર ખેદાન-મેદાન કરી નાખ્યું હતું. આ મુદ્દે દિપકભાઈએ કંપનીના પ્રતિનિધિ નિકુંજભાઈ જોડે વાંધો ઉઠાવતાં નિકુંજે ગાળાગાળી સાથે આ સરકારી જમીન હોવાનો દાવો કરી કામ નહીં અટકાવવાની તાકીદ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જાણ થતાં બિપીનભાઈ બીજા દિવસે સ્થળ પર દોડી આવ્યાં હતા. કંપનીએ તેમના ખેતરમાં કરેલા નુકસાનના વળતર અંગે સમાધાન થયું નથી તેમ છતાં 10મી જૂલાઈના રોજ ફરી આ કંપનીના માણસો ક્રેઈન લઈને અંદર ઘૂસી ગયાં હતા જેમને બહાર કઢાયાં હતા. પવનચક્કી કંપનીઓની દાદાગીરી અને નિયમભંગ સામે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રએ રીતસર ઘૂંટણિયા ટેકવી દીધાં હોવાનો ઘાટ સર્જાયો છે. નાના ખેડૂતો બડી બડી કંપનીઓની દાદાગીરી સામે લાચાર થઈ ગયાં છે.
Share it on
|