કચ્છખબરડૉટકોમ, દયાપરઃ પત્ની અને સાસરિયાંના માનસિક ત્રાસથી તંગ આવીને વીજળીના થાંભલે ગળેફાંસો ખાઈ લેનાર યુવકે મરતાં પૂર્વે વૉટસએપમાં આપવીતી જણાવતાં ત્રણ વીડિયો રેકોર્ડ કરી સંબંધીઓને મોકલ્યાં હતા. વીડિયો ક્લિપના પૂરાવાના આધારે મૃતકના પિતાએ પુત્રવધૂ સહિત આઠ સાસરિયાં વિરુધ્ધ દયાપર પોલીસ મથકે પુત્રને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. સોમવારે સવારે આઠ વાગ્યાના અરસામાં ૨૨ વર્ષિય લક્ષ્મણ કાન્તિલાલ કોલીનો ગુનેરીના સીમાડે વીજપોલ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. મરનાર લક્ષ્મણના ગામની જ યુવતી લક્ષ્મી હરજીભાઈ કોલી સાથે લગ્ન થયેલાં. લગ્નજીવન દરમિયાન એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો.
લક્ષ્મી ઝઘડાખોર હતી. નાની નાની વાતે ઝઘડા કરીને માવતરે ચાલી જતી. તેમાં’ય વીસ દિવસ અગાઉ સાળીના આડાસંબંધની જાણ થતાં લક્ષ્મણે તે અંગે પત્નીને વાત કરી તો વાત વણસી ગયેલી અને પત્ની રીસાઈને માવતરે જતી રહેલી. આ મામલે લક્ષ્મણે પિતાને વાત કરતાં બેઉ પક્ષના લોકો સમાધાન માટે એકઠાં થયાં હતા. જો કે, લક્ષ્મણના સાસરિયાંએ સમાધાનના બદલે જમાઈને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે ‘અમારી દીકરી હવે તારા ઘેર નહીં આવે અને હવે તું આડો આવ્યો તો તને પતાવી દઈશું’
પત્નીના વિયોગમાં ઝૂરતો લક્ષ્મણ રવિવારે રાત્રે સાસરે ગયો હતો, પરંતુ તેને ત્યાંથી જાકારો મળ્યો હતો. પત્ની વિયોગમાં ઝૂરતાં લક્ષ્મણે રાત્રે સાડા નવ વાગ્યે પિતાને ફોન કરી જણાવ્યું હતું કે ‘મારે હવે જીવવું નથી, મારી પત્ની અને તેના ત્રણે મામા બધાએ મને બહુ ત્રાસ આપ્યો છે. તમે મારા દીકરા-દીકરીનું ધ્યાન રાખજો’
સાસરિયાના ત્રાસ અંગે ત્રણ વીડિયો ક્લિપ રેકોર્ડ કરી વોટસએપમાં પિતરાઈ ભાઈ જુસબને મોકલી આપી હતી. લક્ષ્મણ અજુગતું પગલું ભરી લેશે તેવું જણાતાં તેના પિતા અને સગાં-વહાલાએ આખી રાત તેની શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી નહોતી. આખરે સવારે ગુનેરી સીમમાંથી થાંભલે લટકતી લાશ મળી હતી.
દયાપર પોલીસે લક્ષ્મણની પત્ની લક્ષ્મી, સાળી રેખા, સાસુ શાંતાબેન, સાળા પ્રકાશ અને હિતેશ તેમજ મામા સસરા ખીમજી સુમાર કોલી, કાન્તિ સુમાર કોલી અને શિવજી સુમાર કોલી એમ આઠ લોકો સામે લક્ષ્મણને મરવા મજબૂર કર્યા અંગેની કલમો તળે ગુનો દાખલ કર્યો છે.
Share it on
|