કચ્છખબરડૉટકોમ, દયાપરઃ લખપતના મુધાન ગામની નદીમાંથી રેતી ચોરી કરતાં ખનિજ ચોરોએ તેમની ગેરકાયદે પ્રવૃત્તિ અંગે ખાણ ખનિજ વિભાગને જાણ કરતાં ગામના જાગૃત યુવાનને રિવોલ્વર બતાડી છરી, લાકડી અને લોખંડના સળિયાથી હુમલો કર્યો છે. સોમવારે સવારે પોણા દસના અરસામાં બનાવ બન્યો હતો. મુધાનમાં રહેતા ૨૭ વર્ષિય હઠુભા સવાઈસિંહ સોઢાએ જણાવ્યું કે સુરતાજી હમીરજી જાડેજા અને તેના ભાઈઓ ગામની નદીમાંથી બેફામ રેતી ચોરી કરતાં હોઈ તેમની વિરુધ્ધ અગાઉ ખાણ ખનિજ ખાતામાં અરજી કરેલી. અરજી સંદર્ભે ખનિજ વિભાગે તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરેલી. રવિવારે ફરી આ જ શખ્સો રેતી ચોરી કરતાં હોવાની જાણ થતાં ખાણ ખનિજ વિભાગને ફરી ફોન પર માહિતી આપેલી અને ખનિજ તંત્રએ સ્થળ પર દોડી જઈ કાયદેસર કાર્યવાહી કરેલી.
રવિવારે ફરિયાદી ગામની શાળા પાસે આવેલી કરિયાણાની દુકાનના ઓટલાં પર બેઠો હતો ત્યારે બાતમી આપતો હોવાની અદાવત રાખીને આરોપીઓ XUV કારમાં હથિયાર ધારણ કરીને આવ્યાં હતાં.
ભુપતસિંહ હમીરજી જાડેજાના હાથમાં રિવોલ્વર હતી અને તેણે ફરિયાદીને ત્યાં જ બેસી રહેવા હુકમ છોડ્યો હતો. બાદમાં અન્ય આરોપીઓ ‘અમને કેમ આડો આવે છે?’ કહી તેના પર તૂટી પડ્યાં હતાં. હુમલામાં ફરિયાદીને પગના ઘૂંટણ નીચે છરીથી ઈજા થઈ હતી જ્યારે માથામાં લોખંડના સળિયાથી ઈજા થતાં તે બેભાન થઈ ગયો હતો.
બનાવ અંગે સુરતાજી હમીરજી જાડેજા, હમીરજી ખાનજી જાડેજા, ભગુભા હમીરજી જાડેજા, ભુપતસિંહ હમીરજી જાડેજા, પથુભા હમીરજી જાડેજા, શોભાજી હમીરજી જાડેજા, મહોબતસિંહ કરસનજી જાડેજા, વાઘજી વિજયરાજસિંહ જાડેજા અને સુરતાજી વિજયરાજસિંહ જાડેજા એમ નવ આરોપી સામે હઠુભાએ કાવતરું રચી, ગેરકાયદે મંડળી બનાવી હુમલો કરી ઈજા પહોંચાડવા સબબ દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|