કચ્છખબરડૉટકોમ, દયાપરઃ યાત્રાધામ માતાના મઢના તળાવકાંઠે રાતના અંધકારમાં દેશી બંદૂકથી રાષ્ટ્રીય પંખી મોરનો શિકાર કરનારાં બે શિકારીની દયાપર પોલીસે ધરપકડ કરી છે. ગામના સેન્સર તળાવ નજીક અંધકારમાં શિકારની પ્રવૃત્તિ થતી હોવાની બાતમી મળતાં પોલીસ ટૂકડીએ મધરાત્રે બે વાગ્યે તપાસ હાથ ધરી હતી. પોલીસને જોઈ સ્થળ પર હાજર બે શિકારીએ નાસવા પ્રયાસ કર્યો હતો પરંતુ બેઉ ઝડપાઈ ગયાં હતા. ઝડપાયેલાં શિકારીઓમાં જુણસ ઊર્ફે સમીર હુસેન કુંભાર (ઉ.વ. ૨૩, રહે. માતાના મઢ) અને મુસ્તાક મુબારક જત (ઉ.વ. ૧૯, રહે. આશાલડી, લખપત)નો સમાવેશ થાય છે. પોલીસ જુણસ પાસેથી દેશી બંદૂક સાથે ત્રણ કાર્ટ્રિજ જપ્ત કર્યાં છે. આરોપીઓએ બંદૂક વડે મોરનો શિકાર કર્યો હતો અને સ્થળ પર મૃત મોરના પીંછા, ચામડી, હાડકાં-માંસનો લોચો પડ્યો હતો. પોલીસે આર્મ્સ એક્ટ તેમજ વાઈલ્ડ પ્રોટેક્શન એક્ટની કલમો તળે ગુનો દાખલ કરી બેઉની ધરપકડ કરી છે.
Share it on
|