કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોલીસ ફરિયાદની કિન્નાખોરી રાખીને લખપત તાલુકાના મેઘપર ગામમાં વસવાટ કરતાં દલિતોનો પાટીદાર સમાજના આગેવાનોના ઈશારે સામાજિક બહિષ્કાર કરાયો હોવાની વિગતો બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે નરા પોલીસ મથકે મેઘપરના સત્તર જેટલાં દલિત ગ્રામજનોએ પોતાની સહી સાથેનું આવેદન પત્ર સુપ્રત કરી ઘટતું કરવા અરજ કરી છે. આવેદન પત્રમાં જણાવાયું છે કે મેઘપરમાં વિવિધ સમાજના મળીને અંદાજે ચારસો લોકો વસવાટ કરે છે. મોટાભાગના પાટીદારો કામધંધાર્થે દેશ વિદેશ સ્થાયી થયેલાં છે. અત્યારસુધી આ પાટીદારો તેમની માલિકીના ખેતરો દલિત ભાઈઓને ખેડવા પોંખવા આપતાં હતાં.
આ વખતે ગામમાં વસતાં એક માથાભારે શખ્સના સાથ સહકારથી પાંચેક જેટલાં ચોક્કસ પાટીદાર આગેવાનો કે જેઓ પોતે પણ બહારગામ સ્થાયી થયેલાં છે તેમણે દલિતોનો બહિષ્કાર કરીને તેમને ખેડવા પોંખવા ભાગે આપેલાં ખેતરો પરત લઈ લેવા સમાજના અન્ય લોકોને ઈશારો કર્યો છે.
આ ખેતરો આસપાસના હરોડા, જુણાચાય, જુમારા વગેરે ગામના માથાભારે લોકોને ખેડવા માટે અપાઈ રહ્યાં છે. એટલું જ નહીં, દલિતોને ખેત મજૂરીએ પણ રખાતાં નથી અને રોજિંદા વ્યવહારમાંથી પણ બહિષ્કાર કરાયો છે.
રોજી રોટી બંધ થઈ જતાં દલિતોને હિજરતની ફરજ પડે તેમ છે.
જન્માષ્ટમીના પર્વે બહારગામ સ્થાયી થયેલાં પાટીદારો વતન આવે ત્યારે માથાભારે શખ્સ સહિતના લોકોની ચઢામણીથી ગામનો ભાઈચારો જોખમાય તેવી ઘટનાઓ સર્જાવાની ભીતી છે. જેથી જન્માષ્ટમી પૂરતું ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી સામાજિક બહિષ્કારનો પ્રયાસ કરનારાઓ વિરુધ્ધ કડક પગલાં લેવા રજૂઆત કરાઈ છે.
કેટલાંક લોકો સામે અટકાયતી પગલાં લેવા તજવીજ
સમગ્ર મામલે નરાના પીએસઆઈ વી.ડી. ગોહિલે જણાવ્યું કે બે ત્રણ જણે વાવવા માટે આપેલી જમીન પાછી લઈ લીધી છે. મે માસમાં પાંચ ગ્રામ વિકાસ સમિતિઓ સામે તલાટીએ નોંધાવેલી ઉચાપતની ફરિયાદ બહિષ્કારના મૂળમાં છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને કેટલાંક લોકો વિરુધ્ધ અટકાયતી પગલાં લેવાની તજવીજ ચાલી રહી છે.
જાણો, બહિષ્કારનું મૂળ છે ઉચાપતની આ ફરિયાદ
ગૌચર અને સરકારી જમીનો પર પવનચક્કીઓ અને વીજ થાંભલાઓ નાખવા દેવાની અવેજમાં ખાનગી કંપનીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી ગ્રામ વિકાસના નામે લાખો રૂપિયાનું વળતર મેળવીને હજમ કરી જવા બદલ ૨૩-૦૫-૨૦૨૪ના રોજ મેઘપર જૂથ ગ્રામ પંચાયતના તલાટી પરેશ આયરે નરા પોલીસ મથકે પાંચ ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખો સામે ૨.૪૨ કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ કાવતરું ઘડીને મેઘપર જૂથ ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધાં વગર બારોબાર વિકાસ સમિતિઓ બનાવી ૨૦૧૮થી અત્યારસુધીમાં ગ્રામ વિકાસના નામે મેળવેલાં કરોડો રૂપિયા હજમ કર્યાં હોવાનું ફરિયાદમાં લખાવાયેલું. પોલીસે મેઘપર ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ ભવાન માવજી પટેલ, જુણાચાય ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ તેજમાલજી જાડેજા, હરોડા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અબ્દુલ મંધરા, અમિયા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ વિજયસિંહ જાડેજા અને માણકાવાંઢ ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ ઓસમાણ હુસેન સોતા સામે ફરિયાદ નોંધી હતી.
Share it on
|