કચ્છખબરડૉટકોમ, દયાપરઃ કચ્છના છેવાડાના લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં છેલ્લાં ત્રણ વર્ષથી ગાયનેક નર્સિંગ હોમ ખોલી સગર્ભા મહિલાઓની પ્રસૂતિ કરાવતી મહિલા તબીબ બૉગસ ડૉક્ટર હોવાનો ભાંડો ફૂટ્યો છે. આરોગ્ય તંત્રએ પોલીસ તંત્રને સાથે રાખીને તપાસ હાથ ધરીને આ નકલી ગાયનેક ડૉક્ટરનો ભાંડો ફોડી નાખ્યો છે.
કોઈ જાગૃત નાગરિકે કલેક્ટર કચેરીમાં લખેલાં પત્રના આધારે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં લખપતના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કુલભૂષણ કે. પટેલે પોલીસ વિભાગને સાથે રાખીને દયાપરના મારુતિ કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલી ‘ન્યૂ જનની હોસ્પિટલ’માં તપાસ હાથ ધરી હતી.
હોસ્પિટલમાં હાજર ૩૯ વર્ષિય કહેવાતી ડૉ. અનુરાધા મંટુપ્રસાદ યાદવ (રહે. મફતનગર, દયાપર મૂળ રહે. સિવાન, બિહાર) પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેની MBBS, MD કે DGO જેવી શૈક્ષણિક લાયકાતની ડિગ્રીઓ માંગતા તેની પાસે આવી કોઈ ડિગ્રીઓ જ નહોતી.
અનુરાધાએ ડિગ્રીના નામે એક્યુપંક્ચર અને એક્યુપ્રેશરની મેળવેલી તાલીમનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું! પ્રાથમિક પૂછપરછમાં અનુરાધાએ પોતે ત્રણ વર્ષથી અહીં ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતી હોવાનું જણાવી પોતે સગર્ભા મહિલાઓની સારવાર અને પ્રસૂતિ કરાવતી હોવાનું જણાવ્યું છે. હોસ્પિટલમાં જ બનાવેલાં ઈન્ડોર મેડિકલ સ્ટોરમાંથી તે મહિલા દર્દીઓને હોર્મોનલ ઈન્જેક્શનો અને અન્ય એન્ટીબાયોટીક્સ સહિતની દવા ગોળી ઈન્જેક્શનો આપતી હતી. હોસ્પિટલમાંથી કુલ ૪.૬૯ લાખની દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ જ છે ગુજરાત મોડેલની વરવી વાસ્તવિક્તા
છેવાડે આવેલા કચ્છના અંતરિયાળ તાલુકાઓમાં આજે પણ સરકારી આરોગ્ય સેવાઓ અપૂરતી છે. આઝાદીના પંચોતેર વર્ષે પણ શિક્ષકોની જેમ તબીબોની ઘટનો પ્રશ્ન યથાવત્ રહ્યો છે. પરિણામે, ગામડાઓમાં આવા બોગસ ડૉક્ટરો હાટડા ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે. દર્દીઓને સામાન્ય શરદી, ઉધરસ કે તાવ માટે દવા ગોળી આપે ત્યાં સુધી તો ઠીક છે પણ ઘણાં ઉઘાડપગાં ઝોલાંછાપ તબીબો સર્જરીઓ કરે છે અને દર્દીઓને ઈન્ડોરમાં દાખલ કરીને બેફામ રીતે હેવી ડોઝની એન્ટિબાયોટીક, એન્ટી બેક્ટેરિયલ દવાઓ, પાઈન્ટ ચઢાવ્યાં કરે છે. ઘણાં ઝોલાંછાપ તબીબો વળી કમિશનથી મોટાં શહેરોમાં પ્રેક્ટિસ કરતાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને કેસ રીફર કરે છે. આવા સ્પે. તબીબો પણ અંદરખાને બધું જાણતાં હોય છે.
કાયદાની કડકાઈના અભાવે બેફામ છે બોગસ તબીબો
આ બોગસ ડૉક્ટરો સામે કાયદાની ધાર બુઠ્ઠી છે. પ્રસૂતા મહિલાઓના જીવન સાથે ચેડાં કરતી આ બોગસ મહિલા ડૉક્ટર સામે દયાપર પોલીસે BNS ૧૨૫ અને ૩૧૮ (૧) તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ૩૩ હેઠળ ગુનો નોંધ્યો છે પરંતુ પો.સ.ઈ. આર.બી. ટાપરિયા કહે છે કે ‘કાયદાની જોગવાઈને અનુલક્ષીને હજુ અમે તેની અટક કરી નથી. નોટિસ આપી છે, જવાબ મળ્યે આગળની કાર્યવાહી કરશું’ ગાંધીધામમાં અગાઉ એકનો એક બોગસ ડૉક્ટર બેવાર ઝડપાયો હોવાના દાખલા નોંધાયેલાં છે. થોડાંક માસ અગાઉ માધાપરમાં ડેંગ્યુ સહિતના દર્દીઓની સારવાર કરતો અને મેડિકલ સ્ટોર ખોલનારા એક બોગસ ડૉક્ટરને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલો. આ બોગસ તબીબે એક દોઢ માસ બાદ ફરી એ જ દવાખાનું બિન્ધાસ્ત રીતે શરૂ કરી દીધું છે.
એ જ એલસીબી અને માધાપર પોલીસને દવાખાનું ફરી ખૂલ્યું તે અંગે જાણ છે પરંતુ ના જાણે કેમ પોલીસ હવે સાવ ઠંડી થઈ ગઈ છે!
Share it on
|