કચ્છખબરડૉટકોમ, દયાપરઃ દેના બેન્કની દયાપર બ્રાન્ચમાં નોકરી કરતાં પટાવાળા અને બ્રાન્ચ મેનેજરે મિલિભગત કરી, ખેડૂતના ખાતામાંથી ૪.૪૭ લાખ રૂપિયા બારોબાર કાઢી લઈ હજમ કર્યાં હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આરોપીઓએ ૨૦૧૦ અને ૨૦૧૧ના વર્ષમાં નાણાં કાઢેલાં, નાણાં પરત ના આપતાં ખેડૂતે ૨૦૧૬માં દયાપર કૉર્ટમાં પ્રાઈવેટ ફોજદારી ફરિયાદ નોંધાવવા અરજી કરેલી અને કૉર્ટના હુકમ બાદ હવે ૨૦૨૩માં દયાપર પોલીસે આરોપીઓ સામે વિધિવત્ ફોજદારી દાખલ કરી છે. નખત્રાણાના પાનેલી ગામના ૫૨ વર્ષિય ખેડૂત રતિલાલ નાનજીભાઈ પટેલે જણાવ્યું કે તે અભણ છે અને માંડ સહી કરતાં આવડે છે. ખેતીની ઉપજની રકમ તે દેના બેન્કની દયાપર બ્રાન્ચમાં ભરતાં હતા. નાણાં ઉપાડવા માટે તેમણે કદી ચેકબૂક મેળવી નહોતી અને ખાતામાંથી કદી નાણાં ઉપાડ્યાં નહોતાં.
દીકરીના લગ્ન પ્રસંગે નાણાંની જરૂર ઊભી થતાં તે ખાતામાંથી નાણાં ઉપાડવા ગયાં ત્યારે સાડા ચાર લાખ રૂપિયામાંથી ૪.૪૭ લાખ રૂપિયા તેમની સહીવાળા ચેકથી બારોબાર ઉપડી ગયાં હોવાની જાણ થઈ હતી. પ્રાથમિક તપાસમાં આ છેતરપિંડી પ્યૂન તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ શિવુભા જાડેજા અને તત્કાલિન બ્રાન્ચ મેનેજરે એકમેક સાથે ભેગાં મળી આચરી હોવાનું બહાર આવ્યું હતું. પ્યૂન ભગીરથ ફરિયાદીના ગામ નખત્રાણાના પાનેલીનો જ રહેવાસી છે.
ભગીરથે ફરિયાદીના નામથી ચેકબૂક રીક્વેસ્ટ ફોર્મ ભરી, ચેકબૂક મેળવી, ફરિયાદીની ખોટી સહીથી ૨૦૧૦ અને ૨૦૧૧ના વર્ષમાં અલગ અલગ સમયે નાણાં ઉપાડી લીધાં હતાં.
આ અંગે ફરિયાદીએ ભગીરથને વાત કરતાં તેણે પોતાને જરૂર હોઈ તેમના ખાતામાંથી નાણાં ઉપાડ્યા હોવાનું કબૂલી એક વર્ષમાં તમામ રકમ પરત આપી દેવાની ખાતરી આપી હતી. જો કે, ભગીરથે નાણાં પરત આપ્યાં નહોતાં અને ફરિયાદી તથા અન્ય આગેવાનોને વાયદા કર્યાં કરતો હતો.
૨૦૧૬માં ભગીરથે ફરિયાદીને કહી દીધું હતું કે ‘પૈસા પાછાં નહીં મળે અને થાય તે કરી લે. ફરિયાદ નોંધાવી તો તને જાનથી મારી નાખીશ’
આ મામલે ફરિયાદીએ દયાપર કૉર્ટમાં પ્રાઈવેટ ફોજદારી ફરિયાદ અરજી દાખલ કરેલી. આ મામલે કૉર્ટે હુકમ કરતાં હવે છેક ૨૦૨૩માં દયાપર પોલીસ મથકે ભગીરથ અને તત્કાલિન બ્રાન્ચ મેનેજર સામે ઈપીકો કલમ ૪૦૨, ૪૦૬, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આરોપી ભગીરથ માથાભારે, ઝનૂની અને પૈસાપાત્ર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
Share it on
|