કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના D માર્ટ મોલમાં કામ કરતી 26 વર્ષની પરિણીત સફાઈ કામદાર મહિલાની મોલના ગોડાઉન મેનેજર અને સ્ટોર મેનેજરે અનેકવાર છેડતી કરી જાતિ અપમાનિત કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે દર્જ થયો છે. ભુજ એ ડિવિઝન પોલીસે બંને મેનેજર સામે છેડતી, ધમકી આપવી તેમજ એટ્રોસીટી એક્ટની કલમો તળે ગુનો નોંધ્યો છે. ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે ગત વર્ષે જૂલાઈ માસમાં એચઆર વ્યાપ્તિ જોશી રજા પર ગયા હતા. તે સમયે ગોડાઉન મેનેજર પોપટ માલીવાડ (રહે. શિવ આરાધના સોસાયટી, ભુજ) અને સ્ટોર મેનેજર મીત ડગલીએ તેની શારીરિક છેડતી કરવાનું શરૂ કર્યું હતું. પોપટ તેને જેન્ટ્સ બાથરૂમ સાફ કરવા મોકલતો. તે બાથરૂમ સાફ કરવા જાય ત્યારે પોપટ અંદર ઘૂસી આવી તેના કપડાં પકડી છેડતી કરતો. મહિલા વિરોધ કરતી તો પોપટ ધમકી આપતો ‘કોઈને કહીશ તો નોકરીમાંથી કાઢી મૂકશું’ પોપટની હરકતોથી વાકેફ સ્ટોર મેનેજર મીત ડગલી પણ મહિલાને તેની જાતિ વિશે અપમાનિત કરી ધમકી આપતો કે ‘તારે નોકરી કરવી હોય તો આવું બધું સહન કરવું પડશે. પોપટ કહે તેમ કરવું પડશે. તુ બીજે ક્યાંય ચાલે તેમ નથી’ સાત હજારના માસિક પગારે નોકરી કરતી મહિલા સફાઈ કામદાર નોકરી ખાતર ચૂપ રહી સમસમી ઉઠતી. 25 સપ્ટેમ્બર 2020ના રોજ મહિલાએ જેન્ટ્સ બાથરૂમ એકવાર સાફ કર્યું હોવા છતાં બેઉ જણે તેને ફરી સાફ કરવા જણાવ્યું હતું. બેઉનો બદઈરાદો પારખી ગયેલી મહિલાએ તેમને રોકડું પરખાવ્યું હતું કે ‘હું બીજીવાર બાથરૂમ સાફ નહીં કરું. મને તમારી બીક લાગે છે. ફરી સાફ કરાવવું હોય તો બાથરૂમ બહાર ગાર્ડ રાખો’ મહિલાની વાત સાંભળીને મીત ડગલીએ ઉશ્કેરાઈને તેને ગાળ બોલી જણાવ્યું હતું કે ‘તું આ બધું કરવા જન્મી છો, તારે તો આ કરવું પડે’
ડી માર્ટે કોઈ એક્શન ના લેતાં અંતે ફરિયાદ નોંધાવી
બેઉના ત્રાસથી ગળે આવી ગયેલી સફાઈ કામદારે બંને વિરુધ્ધ તે જ દિવસે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી. જો કે, મામલો જાણીને ડી માર્ટના એરીયા મેનેજર ખંજન શાસ્ત્રીએ બેઉ પક્ષ વચ્ચે સમાધાનનો પ્રયાસ કરી મહિલાને ન્યાય અપાવવા ખાતરી આપી હતી. જેથી મહિલાએ પોલીસને અરજી બાબતે આગળ કંઈ નથી કરવું તેમ જણાવ્યું હતું. જો કે, છ મહિના પછી પણ મહિલાને સમાધાનમાં નક્કી થયા મુજબ ન્યાય ના મળતાં તેણે ફરિયાદ નોંધાવી છે. ડી માર્ટ જેવી શોપીંગ મોલ ચેઈનમાં કામ કરતી મહિલા કર્મચારીઓની સલામતી મુદ્દે કેવું લોલમ્ લોલ ચાલે છે અને કેવી રીતે ઢાંકપીછોડા કરાય છે તે પણ આ ફરિયાદથી બહાર આવ્યું છે.
Share it on
|