કચ્છખબરડૉટકોમ, ભુજઃ લો પ્રેશર અને અપર એર સરક્યુલેશનના કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે બે-ત્રણ દિવસ સુધી કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે કચ્છ સાથે અન્ય કેટલાંક જિલ્લામાં આજે સોમવાર અને આવતીકાલે મંગળવારે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી દર્શાવતું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બુધવારે પણ ભારે વરસાદ જારી રહે તેવી શક્યતા છે.
બીજી તરફ, ખાનગી વેધર એજન્સી સ્કાયમેટ વેધરએ જણાવ્યું છે કે લો પ્રેશર હાલ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ મૂવ થઈ ગયું છે. આગામી ૨૪ કલાક દરમિયાન લો પ્રેશરનો પટ્ટો કચ્છ-રાજસ્થાનના સરહદી વિસ્તારો પરથી પસાર થઈ પાકિસ્તાન તરફ જતો રહેશે.
રાપરમાં ૩ ઈંચ અને ભુજમાં દોઢ ઈંચ વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે ગત સાંજથી કચ્છના વિવિધ વિસ્તારોમાં ઝાપટાં વરસવાનું શરૂ થયું છે. ઉત્તર ગુજરાતને અડીને આવેલા રાપરમાં આજે સવારના ૬થી રાત્રિના ૮ દરમિયાન ત્રણ ઈંચ (૭૩ મિ.મી.) વરસાદ વરસ્યો છે. સાંજે ૪થી ૬ના બે કલાકમાં જ ૬૩ મિ.મી. વરસાદ વરસી ગયો હતો. ભુજમાં સાંજે ૬થી ૮માં દોઢ ઈંચ (૩૮ મિ.મી.) વરસાદ વરસ્યો છે. ગાંધીધામમાં બપોરે બેથી ચારના અરસામાં ૨૦ મિ.મી. વરસાદ વરસ્યો હતો. આ સિવાય અંજારમાં ૧૪ મિ.મી. અને મુંદરામાં ૭ મિ.મી. વરસાદ નોંધાયો છે.
ભુજ-મુંબઈની બે ટ્રેન ધ્રાંગધ્રા પાસે અટકાવાઈ
રવિવારે ભારે વરસાદના પગલે ભરુચ અંકલેશ્વર સેક્શનમાંથી પસાર થતાં ૫૦૨ નંબરના ઓવરબ્રિજ પરથી ઘોડાપૂર વહેવા માંડતાં રાત્રે ભુજથી ઉપડેલી સયાજીનગરી એક્સપ્રેસને ધ્રાંગધ્રા અને કચ્છ એક્સપ્રેસને અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે ટૂંકાવી દેવાઈ હતી. બીજી તરફ, આજે મુંબઈના બાંદ્રાથી ભુજ આવનારી કચ્છ એક્સપ્રેસ અને દાદરથી ઉપડનારી સયાજીનગરીને રદ્દ કરી દેવાઈ છે. આ બે ટ્રેનો ઉપરાંત અમદાવાદ અને વડોદરા ડિવિઝનની મુંબઈથી આવ-જા કરતી મોટાભાગની ટ્રેન રદ્દ કરી દેવાઈ છે. બીજી તરફ, ગાંધીધામથી આજે સાંજે ૬.૧૫ વાગ્યે ઉપડનારી ગાંધીધામ ઈન્દોર એક્સપ્રેસ રાત્રે ૧૦.૧૫ કલાકે ઉપડશે. તો, આજે સાંજે ૪ વાગ્યે ભુજથી ઉપડનારી ભુજ-બાંદ્રા એસી સુપરફાસ્ટ એક્સ્પ્રેસ ૧૯મીની મધરાત્રે ૩ વાગ્યે ઉપડશે.
Share it on
|