કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છીમાડુના વરસાદનો તલસાટ અને વતનપ્રેમનું પ્રતીક એટલે અષાઢી બીજ. આજે કચ્છી નવા વર્ષનો પ્રત્યેક કચ્છીમાડુના હૈયે ઉમંગ છે પણ કોરોનાની મહામારીના કારણે દર વર્ષની જેમ વિવિધ સંસ્થા-સંગઠનો દ્વારા થતી ઉજવણી મોકૂફ છે. નવવર્ષનો ઉમંગ લોકો સોશિયલ મિડિયા પર એકમેકને શુભેચ્છા પાઠવી વ્યક્ત કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે ઉપરાછાપરી ત્રણ ટ્વિટ કરી કચ્છીમાડુઓને નવવર્ષની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને કચ્છી ભાષામાં પ્રથમ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવતાં જણાવ્યું છે કે, ‘આવનારું નવું વર્ષ બરકતવાળું નીવડે, સચરાચર વરસાદ વરસે, કચ્છી ભાઈ-બહેનો સદાય ખુશ રહે અને સહુનું આરોગ્ય સારું રહે તેવી કચ્છના કુળદેવી મા આશાપુરા પાસે અરજ કરું છું.’ બીજા ટ્વિટમાં તેમણે ‘કચ્છડો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ..’ની વિખ્યાત પંક્તિ ટાંકી કચ્છીમાં જણાવ્યું છે કે, ‘કચ્છના ભવ્ય અને અણમોલ સાંસ્કૃતિક વારસાને સાચવનારી કચ્છની ખડતલ અને ખમીરવંતી પ્રજા, દેશ-પરદેશમાં વસેલાં સવાયા કચ્છી ભાઈ-બહેનોને આજે અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષના પાવન અવસરે લાખ લાખ વધાઈ આપું છું.’ જ્યારે, અંગ્રેજીમાં કરેલા ત્રીજા ટ્વિટમાં તેમણે શુભેચ્છા આપતાં જણાવ્યું છે કે, ‘અષાઢી બીજના ખાસ અવસરે કચ્છી પ્રજાને શુભેચ્છા પાઠવું છું. મહાન સંસ્કૃતિ અને શૌર્ય માટે કચ્છી પ્રજા જાણીતી છે. નવું વર્ષ આનંદ અને આરોગ્યપ્રદ બની રહે તેવી પ્રાર્થના.’ વડા પ્રધાનના આ ટ્વિટને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક લોકોએ રીટ્વિટ કર્યું છે. સાંસદ વિનોદ ચાવડાએ કચ્છી જનતા વતી પીએમ મોદીનો આભાર માન્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ સહુ કચ્છીઓને નવ વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
Share it on
|