કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોરોના વાયરસનો વ્યાપ અટકાવવાના આશયથી રાજ્યના અનેક મોટા મંદિરોને બંધ કરવામાં આવ્યા છે. કચ્છમાં પણ લખપતમાં આવેલા આશાપુરા માતાજીના મંદિર માતાના મઢને આજે બપોર પછી બંધ કરવા નિર્ણય લેવાયો છે. બપોર બાદ મંદિરમાં પ્રવેશવાના મુખ્ય એંકરવાલા પ્રવેશદ્વારને બંધ કરવામાં આવશે. 31 માર્ચ સુધી મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ રહેશે. મંદિરમાં માત્ર પૂજારીઓ જ પ્રવેશી શકશે અને સેવા-પૂજા કરતાં રહેશે. દર્શનાર્થીઓ માતાજીના દર્શન અને નવરાત્રિના કાર્યક્રમ મંદિરની વેબસાઈટ મારફતે ઓનલાઈન કરી શકશે તેમ માતાના મઢ જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજી કરમસિંહજી અને ટ્રસ્ટીગણે જણાવ્યું છે. ભુજમાં આવેલા આશાપુરા માતાના મંદિરે પણ મંદિરમાં હાલપૂરતું માતાજીને ધરાવવા પ્રસાદ, શ્રીફળ, ફૂલહાર વગેરે ના લાવવા દર્શનાર્થીઓને સૂચના આપી છે. લોકોના સ્પર્શને ટાળવા માટે ચરણામૃત અને પ્રસાદ નહીં અપાય. મંદિરના ઘંટને પણ ના સ્પર્શવા જણાવાયું છે. દરરોજ સાંજે બહેનો દ્વારા થતો સત્સંગ બંધ રાખવા નિર્ણય કર્યો છે. પરિસરમાં આવેલા વૉશબેસીનમાં સાબુથી બરાબર હાથ ધોઈને જ મંદિરમાં આવવા જણાવાયું છે. દરમિયાન, ભુજ સ્વામિનારાયણ મંદિર પણ આગામી રવિવારે જનતા કરફ્યુ નિમિત્તે સવારે 7થી રાત્રિના 9 કલાક સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે. આ દિવસે મંદિરનું ભોજનાલય પણ સંપૂર્ણપણે બંધ રહેશે. હરિભક્તોને ઓનલાઈન દર્શન કરવા મંદિરના મહંતસ્વામી પુરાણી ધર્મનંદનદાસજીએ અનુરોધ કર્યો છે. બીજી તરફ, શ્રી કચ્છ લેવા પટેલ સમાજ, ભુજના પ્રમુખે વિદેશી આવતાં સમાજના ભાઈ-બહેનોને સ્વેચ્છાએ 14 દિવસ સુધી ઘરમાં અલગ રહેવા અનુરોધ કર્યો છે. જો રોગના લક્ષણ દેખાય તો ગામની સરકારી હોસ્પિટલને જાણ કરવા જણાવ્યું છે.
Share it on
|