કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના નાની ખાખરમાં ટાટા પાવરના અધિકારીઓની રહેણાંક વસાહતમાં ત્રાટકેલી તસ્કર ટોળકીના સ્થાનિક સાગરીતને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૨૦ દિવસના સમયગાળામાં ઝડપી પાડી ગેંગમાં સામેલ સાત જણની સંડોવણીનો પર્દાફાશ કરી દીધો છે. આ ગેંગ મધ્યપ્રદેશના ધારની રહેવાસી છે અને ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં થયેલી ધાડ, લૂંટ અને ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સાત આરોપીમાંથી સ્થાનિકે રહેતાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ગત ૨૮-૨૯ ઓક્ટોબરની મધરાત્રે એકથી દોઢ વાગ્યાના અરસામાં આશિયાના ટાઉનશીપમાં ત્રાટકીને આ ટોળકીએ એકસાથે ૧૭ બંધ મકાનોના તાળાં તોડી ૩.૮૦ લાખની માલમતાની તસ્કરી કરેલી. દિવાળી વેકેશન હોઈ અધિકારીઓ તેમના વતન અને બહારગામ ફરવા ગયાં હોઈ ગેંગને રેઢું પડ મળી ગયું હતું. ચોરીના બનાવને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એસ.એન. ચુડાસમા અને તેમની સ્ક્વૉડે હ્યુમન સોર્સને કામે લગાડી ટેકનિકલ એનાલિસીસથી તપાસ હાથ ધરી હતી. તપાસમાં માંડવીના ફરાદી રોડ પર સામિયો મિનરલ્સ નામની બેન્ટોનાઈટ ફેક્ટરીમાં કામ કરતો મુકેશ વાસકેલા નામનો ૨૫ વર્ષિય શખ્સ રડાર પર આવ્યો હતો.
ગુનો બન્યાં બાદ મુકેશ ચાર દિવસ સુધી ભેદી રીતે ગુમ હતો. પોલીસે મુકેશને ઉપાડીને તેની ‘સરભરા’ કરતાં તે ગદગદ્ થઈ ગયો હતો અને વટાણાં વેરી દીધાં હતા.
મુકેશે જણાવ્યું કે ચોરીમાં તેના ઉપરાંત વતન મધ્યપ્રદેશ ધારના અન્ય છ જણાં પણ સામેલ છે. મુકેશે આશિયાના ટાઉનશીપને ટાર્ગેટ કરી હતી. ત્યારબાદ તેના સાથીઓને માંડવી બોલાવી એક અઠવાડિયા સુધી ટાર્ગેટની રેકી કરેલી. અન્ય સહઆરોપીઓ વિવિધ રાજ્યોમાં લૂંટ-ધાડના ગુનાઓ આચરી ચૂકેલાં છે. મુકેશ પાસેથી પોલીસે રોકડાં ૨૫ હજાર અને એક ફોન કબ્જે કર્યો છે. અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
Share it on
|