માંડવીના વિન્ડફાર્મ બીચ પર નગરપાલિકા અને વહીવટી તંત્રએ પોલીસની મદદથી કેબિનો, લારી, ગલ્લાં વગેરે જેવા ૧૩૯ દબાણો દૂર કરી અંદાજે બે હેક્ટર જમીન ખુલ્લી કરી. મામલતદારે જણાવ્યું કે દૂર કરાયેલાં દબાણકારોને નજીકના મશાણ પાસે રોજગાર માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરાઈ છે. દબાણો હટાવ ઝુંબેશ સમયે કોંગ્રેસે વિરોધ કરતાં પોલીસે હળવા બળપ્રયોગ કર્યો હતો. કોંગ્રેસના સ્થાનિક પ્રમુખે પોતાને ઈજા થયાનો દાવો કરેલો ♦પૂર્વ કચ્છ પોલીસ વડાએ એક PI સહિત નવ PSIની જિલ્લામાં આંતરિક બદલી કરી છે. સર્કલ પોલીસ ઈન્સપેક્ટરની જગ્યા નાબૂદ થતા રાપર CPI એમ.એન. દવે ખડીર પોલીસ સ્ટેશન મૂકાયાં છે. ખડીર PSI ડી.જી. પટેલ ગાંધીધામ એ ડિવિઝન, ગાંધીધામ એ ડિવિઝનના PSI પી.સી. મોલીયા મહિલા પો.સ્ટે., અંજાર PSI બી.જી. ડાંગર સાયબર ક્રાઈમ, અંજાર PSI વી.એ. ઝા આદિપુર, કંડલા વીંગ PSI જી.એમ. ગઢવી પેરોલ ફર્લો સ્ક્વૉડ મૂકાયાં છે અને તેમના સ્થાને રીડર બ્રાન્ચના PSI ડી.જે. પ્રજાપતિ નીમાયાં છે. ગાંધીધામ બી ડિવિઝન PSI કે.જે. વાઢેર સામખિયાળી, અંજાર PSI એમ.એમ. ઝાલા રીડર બ્રાન્ચમાં અને ગાંધીધામ એ ડિવિઝન PSI એમ.આર. વાળા ICUAW યુનિટમાં મૂકાયાં છે.
♦માંડવીના બિદડા ગામે બાકી નાણાંની ઉઘરાણી મુદ્દે નાની ખાખરના કુલદીપ પૃથ્વીરાજસિંહ જાડેજા અને જયપાલ રણજીતસિંહ જાડેજા નામના વ્યાજખોરોએ ત્રીજા સાગરીત સાથે મળીને રેડીમેડ કપડાંના વેપારી હરેશ સંઘારના ઘરે જઈ ઝપાઝપી કરી માર માર્યો. કોડાય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. ફરિયાદીએ ત્રણ વર્ષ અગાઉ કુલદીપ પાસેથી દસ ટકા વ્યાજે ટૂકડે ટૂકડે પચ્ચીસ હજાર રૂપિયા મેળવેલાં.
♦પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આજે પરોઢે ભચાઉ નજીક નેશનલ હાઈવે પર હોટેલ આશિષના પાર્કિંગમાં રેઈડ કરીને ટેન્કરોના ડ્રાઈવરોને ‘ફોડી’ને ફિનોલ કેમિકલ ચોરી લેવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો. પોલીસે સ્થળ પરથી પીક અપ ડાલામાંથી ૨.૮૦ લાખનું ૨૯૫૦ લીટર ફિનોલ કેમિકલ, અન્ય એક ટ્રકમાંથી ૬ ખાલી કેરબા અને પાંચ ખાલી બેરલ, ૮૧ હજારની કિંમતના લોખંડના સળિયાની ૨૧ ભારી, બંને વાહનો સહિત ૧૬.૬૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો. સ્થળ પરથી ભચાઉના ફિરોઝ દિનમામદ નારેજાની ધરપકડ. હુસેનશા કરીમશા દિવાન નામનો સાગરીત પોલીસને ચકમો આપી ફરાર. ગુનામાં સાલેમામદ કુંભાર નામના ત્રીજા સાગરીતની પણ સંડોવણી ખૂલી. ત્રણે સામે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ
♦ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ૧-૧૦-૨૦૨૪થી ૩૧-૧૨-૨૦૨૪ દરમિયાન જુદાં જુદાં ૧૩ ગુનામાં જપ્ત કરેલાં ૪૩.૩૭ લાખના વિદેશી શરાબ અને બીયરના ટીન પર બુલડોઝરના પૈડાં ફેરવી દારૂનો નાશ કર્યો.
♦અંજારમાં એક યુવકની ગર્લફ્રેન્ડના બીજા મિત્રએ તેના બૂટલેગર મિત્રની મદદ લઈને કાકા ભત્રીજા પર ફિલ્મી ઢબે છરી, ધોકા વડે ઘાતક હુમલો કર્યો છે. મેઘપર બોરીચીની ધારા સોસાયટીમાં રહેતા ભરત મનુભાઈ ઝાલા (વાલ્મીકિ)એ પોલીસને જણાવ્યું કે વિશાલ ઊર્ફે રાધે જોશી, હર્ષદ રાઠોડ અને વિશાલ રાણાએ રવિવારે સાંજે ગાયત્રી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયેલાં તેમના ભત્રીજા પ્રવિણ પર હુમલો કરેલો. બનાવની જાણ થતાં તેઓ ત્યાં દોડી ગયેલાં અને પ્રવિણને લઈ ઘરે પરત જતાં હતા ત્યારે રસ્તામાં ઉપરોક્ત ત્રણે આરોપી સાથે કિશન મહેશ્વરી અને કિશનના બેથી ત્રણ અજાણ્યા સાગરીતોએ તેમના પર ફરી હુમલો કરેલો. કિશને છરી કાઢીને ભરતભાઈના માથા અને પીઠમાં વાર કરતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલામાં ડાબા હાથે ફ્રેક્ચર થઈ ગયું છે. ભત્રીજા પ્રવિણને પણ મુઢ ઈજાઓ પહોંચી છે. સૂત્રોના જણાવ્યા મુજબ લીલાશાહ સર્કલ પાસે દેશીનો પોઈન્ટ ચલાવતો કિશન મહેશ્વરી ખાખીની મહેરબાનીથી બેફામ બન્યો છે અને તાજેતરમાં ગાંધીધામના એક ટીવી પત્રકારને ફોન પર ગાળો ભાંડીને પતાવી દેવાની ધમકી આપી હતી.
♦કેટરીંગમાં ત્રણ દિવસ કામ કર્યાં બાદ ત્રણ હજાર રૂપિયા મજૂરી ચૂકવતી વેળા કેટરીંગ કોન્ટ્રાક્ટરે પાર્ટી શૂઝ પેટે પાંચસો રૂપિયા કાપી લેવાની વાત કરતાં ત્રણ યુવકે ઈન્કાર કરતાં બેઉ પક્ષે મારામારી થઈ. એક યુવકે કોન્ટ્રાક્ટર પર છરી વડે હુમલો કર્યો. ઘટના અંજારના મેઘપર બોરીચીમાં આવેલી નીલકંઠ પાર્ક સોસાયટીની છે. ગાંધીધામમાં કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતા કિરણ પરમારે બનાવ અંગે નીલકંઠ પાર્કમાં રહેતા કોન્ટ્રાક્ટર મોહમ્મદ શરીફ ઊર્ફે સિધિક પઠાણ અને તેના ત્રણ સાગરીતો સામે છરી વડે હુમલો-મારામારીની અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સામે શરીફે પણ કિરણ પરમાર અને તેના બે મિત્રો લવસિંહ શૈલેન્દ્રસિંહ વાઘેલા તથા હરેશ પરમાર સામે ઘરે આવીને છરીથી હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી
Share it on
|