કચ્છખબરડૉટકોમ, ભુજઃ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે બનાસકાંઠાના વાવ તાલુકાના દીપાસર ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદે કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કૉલ સેન્ટરમાં નોકરી કરતાં નાગાલેન્ડ, મિઝોરમ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કોલકતા, ગુજરાતના ૧૬ યુવક યુવતીઓની ધરપકડ કરી છે, જે પૈકી ૬ યુવતી છે. દીપાસર ગામના ભરતભાઈ વેઝીયાએ પોલીસને જાણ કરેલી કે તેમના ગામના સીમાડે એક રહેણાંક મકાનમાં ગેરકાયદે કૉલ સેન્ટર ચાલે છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની સૂચના અને માર્ગદર્શન તળે પીઆઈ એલ.પી. બોડાણા, મહિલા પીઆઈ કે.એમ. રાઠોડ અને તેમની ટીમે આ રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.
વિદેશી નાગરિકોને ફોન કરી રૂપિયા પડાવતાં
પોલીસે જણાવ્યું કે આરોપીઓ ભારતમાં બેઠાં બેઠાં વિશ્વના વિવિધ દેશોના નાગરિકોને ફોન કરી લોન આપવાની લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટની માહિતી કઢાવીને અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવવાનો ધંધો કરતાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કૉલ સેન્ટરનો સૂત્રધાર અમદાવાદનો સ્વપ્નિલ પટેલ ઊર્ફે સૅમ છે, જે પોલીસના હાથમાં આવ્યો નથી.
૮.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે કૉલ સેન્ટરમાંથી ૨૫ લેપટોપ, ૩૦ મોબાઈલ ફોન, ૧૯ હેડફોન, ૫ યુપીએસ, ૧૦ નંગ ચાર્જર, ૮ ડેટા કેબલ, ૮ ઈયર ફોન, ૪ રાઉટર મળી કુલ ૬ લાખ ૫૦ હજાર ૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ ઉપરાંત આરોપીઓના અંગત વપરાશના ૨૦ ફોન, દોઢ લાખનું એક ટેબ્લેટ, ૩૬ હજાર રૂપિયા રોકડાં મળી કુલ ૮ લાખ ૩૬ હજાર ૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલાં આરોપીમાં ઉત્તર પૂર્વની ૬ યુવતીનો સમાવેશ
પોલીસે પકડેલાં યુવકોમાં અમિષ ધર્મેન્દ્ર પટેલ (યુપી), રોનકકુમાર સુનિલ મહિડા (આણંદ), નંદનદાસ રાજારામદાસ (કોલકત્તા), પ્રિન્સ પવન સાવ (કોલકત્તા), કુંદનકુમાર રાજારામ દાસ (કોલકત્તા), ઈપલો વિકૂટો ચોપી (નાગાલેન્ડ), અંકુવ હકાવી ચેપાઠોમીન (નાગાલેન્ડ), કનૈયાકુમાર ઝા (કોલકત્તા), ચિરાગ રાવલ (વડોદરા), વિશાલ બળવંત ઠાકુર (હિમાચલ પ્રદેશ)નો સમાવેશ થાય છે. જ્યારે, પકડાયેલી યુવતીઓમાં લાલનુપૂઈ હૌહનાર (ઐઝલ, મિઝરોમ), વાનલાલજુયલ રાલટે (મિઝોરમ), મેલોડી (મિઝોરમ), જુલિએટ (મિઝોરમ), લોવિકા કિહો (નાગાલેન્ડ) અને મીમ્મી લાલલીનીયાના (મિઝોરમ)નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે સાયબર ક્રાઈમ પોલીસે અગાઉ કચ્છમાં લવ જિહાદના કિસ્સા સાથે ગત જૂલાઈમાં મહાદેવ બૂક સટ્ટા બેટિંગ એપના સૂત્રધાર સૌરભ ચંદ્રાકરના પાર્ટનર પાટણના ભરત ચૌધરીને ઝડપીને મહત્વના ગુનાનો પર્દાફાશ કરી ચૂકેલી છે.
Share it on
|